Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં બીજી લહેર ચાર ગણી ઝડપી : સંક્રમણનો દર ૨૧ દિ'માં વધીને ૧૧ ટકા

ગયા વર્ષે પહેલી લહેરમાં ૧ દિ'માં ૧૦ થી ૨૦ હજાર કેસ હતા હવે આ આંકડો ૪૦ થી ૫૦ હજાર પહોંચ્યો

નવી દિલ્હી તા. ૬ : દેશના પાંચ રાજ્યો મહામારીના પહેલી લહેરને પાર કરી ચૂકયા છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પરિસ્થિતિ એવી છે કે અહીં પહેલી લહેર કયાંય નીકળી ગઇ છે. આંકડાઓ પર ધ્યાન આપીએ તો બીજી લહેર ચાર ગણી ઝડપી છે. આ રાજ્યોમાં ગયા વર્ષે પહેલી લહેર દરમિયાન રોજના ૧૦ થી ૨૦ હજાર કેસ આવતા હતા પણ અત્યારે આ આંકડો ૪૦ થી ૫૦ હજારનો છે.

સંક્રમણને ફેલાતુ રોકવા માટે વધારેને વધારે ટેસ્ટીંગ કરવા માટે રાજ્યોને આદેશ અપાઇ રહ્યા છે. તેમ છતાં કોરોના ટેસ્ટીંગના આંકડાઓમાં ફેરફાર નથી થયો. છેલ્લા ૨૧ દિવસોમાં સંક્રમણ દર બેથી વધીને ૧૧ ટકાથી પણ વધારે થઇ ગયો છે પણ ટેસ્ટીંગની સ્થિતિ સરેરાશ ૧૦ થી ૧૧ લાખ વચ્ચે જ છે.

છેલ્લા એક દિવસમાં ફકત ૮ લાખ સેમ્પલોના જ ટેસ્ટીંગ થઇ શકયા જેમાંથી ૧૧.૫૮ ટકાથી વધારે સંક્રમિતો મળ્યા. કુલ સક્રિય કેસોમાં આ રાજ્યોની ભાગીદારી ૭૫.૮૮ ટકા છે. કોરોનાથી થનાર મોતની વાત કરીએ તો આઠ રાજ્યોમાં ૮૪.૫૨ ટકા મોત થયા છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, એક દિવસમાં સૌથી મોટા વધારા પછી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૨૫,૮૯,૦૬૭ ઉપર પહોંચી ગઇ અને અત્યાર સુધીમાં ૧,૬૫,૧૦૧ લોકોના જીવ ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૧,૧૬,૮૨,૧૩૬ લોકો સાજા થયા છે.

સતત ૨૬માં દિવસે નવા કેસોમાં વધારાના લીધે દેશમાં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા ૭,૪૧,૮૩૦ થઇ ગઇ છે જે કુલ સંક્રમણના ૫.૮૯ ટકા છે. જ્યારે રીકવરી રેટ વધુ નીચે જઇને ૯૨.૮૦ ટકાએ પહોંચી ગયો છે. આ પહેલા ૧૨ ફેબ્રુઆરીએ દેશમાં સૌથી ઓછા સક્રિય દર્દીઓની સંખ્યા ૧,૩૫,૯૨૬ હતી જે કુલ સંક્રમણના ૧.૨૫ ટકા હતી.

(10:47 am IST)