Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ભારત દરિયાઇ ક્ષેત્ર દ્વારા ફરી દુનિયાનું નેતૃત્વ કરશે : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે ૫૮માં રાષ્ટ્રીય દરિયાઇ દિવસની ઉજવણી કરી

ગાંધીનગર તા. ૬ : ૫ એપ્રિલ ૧૯૧૯ના રોજ મુબઇથી લંડન સુધીની પ્રથમ ભારતીય વેપારી જહાજ એસ.એસ. લોયલ્ટીની પ્રથમ સફરના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. આજે બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે ૫૮માં રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરી હતી. ચાલુ વર્ષે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની થીમ ભારત સરકારની પહેલ આત્મનિર્ભર ભારત અભિયાનને અનુરૂપ કોવિડ ૧૯ ઉપરાંત પર્યાવરણને અનુકુળ દરિયાઇ સફર છે.

રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી પ્રસંગે બંદર, જહાજ અને જળમાર્ગોના રાજક કક્ષાના કેન્દ્રીય જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ દરિયાકિનારા પર રહેતા સમુદાયોને અભિનંદન આપવાની સાથે કોવિડ રોગચાળામાં તેમણે ભજવેલી ઉપયોગી ભૂમિકા અને તેમની મહેનત, ઉત્સાહ અને સાહસની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્તૃત કરેલા મેરિટાઇમ ઇન્ડિયા વિઝન ૨૦૩૦ ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે આગામી દાયકાનું સંપૂર્ણ વિઝન છે. તથા કેન્દ્રીત અભિગમ સાથે ભારતીય દરિયાઈ ક્ષેત્ર ટૂંકસમયમાં મજબૂત, ટેકનોલોજી દૃષ્ટિએ અદ્યતન અને આત્મનિર્ભર બનશે.

માંડવિયાએ તેમની વાત સકારાત્મક અભિગમ સાથે પુરી કરતાં કહ્યું હતું કે, ભારત પરિવર્તન પામી રહ્યો છે. ભારત સ્પર્ધામાં અગ્રેસર છે, નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. જેમ ભૂતકાળમાં ભારત દરિયાઈ ક્ષેત્રમાં લીડર હતું તેમ ભારત દરિયાઈ ક્ષેત્ર દ્વારા દુનિયામાં ફરી મોખરે રહેશે. તેમણે ૫૮માં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ માટે સોવિનેયિર (સ્મૃતિચિહન) તરીકે ઇ-મેગેઝીન પ્રસ્તુત કર્યું હતું અને નેશનલ મેરિટાઇમ ડે સેલિબ્રેશન કમિટી દ્વારા એવોર્ડ પ્રસ્તુત કર્યો હતો. જેનું નેતુત્વ ડાયરેકટર જનરલ ઓફ શિપીંગ કરે છે.

જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ડો. સંજીવ રંજને કહ્યું હતું કે, દરિયા કિનારે વસતા સમુદાયે કોવિડના સમયગાળામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું કે, મંત્રાલય આંતરરાષ્ટ્રીય દરિયાઈ સમુદાયમાં ભારતને મોખરાનું સ્થાન આપવા પ્રગતિશીલ નીતિગત ફેરફારો લાવવા સતત કાર્યરત છે.

આ પ્રસંગે વીડીયો કોન્ફરન્સ દ્વારા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ડીજી શિપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ, જહાજ મંત્રાલયના અધિકારીઓ અને દરિયાકિનારે વસતા સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(10:46 am IST)