Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત

હાય..હાય..સુરતમાં કોરોનાએ ૧૩ વર્ષના બાળકનો ભોગ લીધો

રવિવાર બપોર સુધી તેને કોઈ તકલીફ ન હતી, અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ટેસ્ટ કરાવતા કોરોના હોવાનું માલુમ થયું

સુરત,તા.૬:  કોરોનાની બીજી લહેર દેશમાં ખરેખર ખતરનાક સાબિત થઈ રહી છે. આ લહેર કોઈની નથી છોડી રહી. પહેલી લહેરમાં મોટાભાગના કેસમાં બાળકો પોઝિટિવ થતા ન હતા. તેમજ જો કોઈ પોઝિટિવ થાય તો મોતનું પ્રમાણે નહિવત હતું, પરંતુ બીજી લહેરમાં કોરોના વધારે ઘાતક બની રહ્યો છે. સુરતમાં આવો જ એક કેસ સામે આવ્યો છે. જેમાં ૧૩ વર્ષના બાળકનું કોરોનાથી નિધન થયું છે. રાજયમાં હાલ કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે આ કેસ ખરેખર ચોંકાવનારો છે. સાથે તમામ માટે એક સંદેશ પણ છે કે જો હજુ નહીં ચેતીએ તો ખૂબ મોડું થઈ જશે.

સુરત, અમદાવાદ અને વડોદરામાં સિવિલ હોસ્પિટલોમાં નાના બાળકો પણ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. સુરત ખાતે મોટા વરાછાના બાળકનું કોરોનાથી સાચી હોસ્પિટલ ખાતે મોત થયું છે. નવાઈની વાત તો એ છે કે આ બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો ન હતા. બાળકનું સારવાર માટે દાખલ થયાના થોડા જ કલાકોમાં નિધન થયું હતું.

મોટા વરાછા ખાતે રહેતા અને એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટનું કહેવું છે કે તેમનો ૧૩ વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી એકદમ સાજો હતો. બીજી ખાસ વાત એ હતી કે ધ્રુવને કોરોનાના કોઈ જ લક્ષણો ન હતા. એટલે કે તે સાવ સામાન્ય હતો. પરંતુ રવિવારે અચાનક તેની તબિયત બગડી હતી. ધ્રુવને એકાએક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જે બાદમાં તેનો એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યા બાદ તેનો તાત્કાલિક સાચી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ સારવારના પાંચ જ કલાકમાં ધ્રુવનું નિધન થયું હતું.

હસતા રમતા દીકરાનું પાંચ જ કલાકમાં નિધન થતાં પરિવાર ભાંગી પડ્યો હતો. ધ્રુવના પિતાએ જણાવ્યું હતું કે, અમે સારવાર માટે લઈ ગયાના પાંચ જ કલાકમાં દીકરાનું નિધન થયું હતું. બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે ધ્રુવના શરીરમાં પ્રોટિન ન બનતું હોવાની સમસ્યા હતી. જેની સારવાર પણ ચાલી રહી હતી. આ જ દરમિયાન બાળક કોરોનાની ઝપટમાં ચડી જતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન નિધન થયું હતું. નવાઈ કે ચોંકાવનારી વાત તો એ છે કે હસતા રમતા ધ્રુવને રવિવારે જયારે દાખલ કરવામાં આવ્યો ત્યારે તેને સીધો વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો.

(10:45 am IST)