Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘે શૈક્ષણિક કર્મચારીઓની નિયમ વિરુદ્ધ બદલી કરતા અધિકારીની લાલ આંખ

આશ્રમશાળા અધિકારીએ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને નોટિસ આપી શૈક્ષણિક કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત કરવા જાણ કરી:અધિકારીની નોટિસની ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘે ધરાર અવગણના કરતા આશ્રમશાળા અધિકારીએ શૈક્ષણિક કર્મચારીઓના પગાર અટકાવ્યા

(ભરત શાહ દ્વારા)  રાજપીપલા: ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘે આશ્રમશાળાના શૈક્ષણિક કર્મચારીઓની નિયમ વિરુદ્ધ કામ ચલાઉ બદલી કરતા જિલ્લા આશ્રમ શાળા અધિકારીએ લાલ આંખ કરી એ તમામ શૈક્ષણિક કર્મચારીઓના પગાર અટકાવી દીધા છે.બીજી બાજુ આશ્રમશાળા અધિકારીએ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને નોટિસ આપી શૈક્ષણિક કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત કરવા જાણ કરી હોવા છતાં સંસ્થાએ એમની નોટિસની ધરાર અવગણના કરી છે.

ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા સંચાલિત ઝરિયા આ.શાળાના નવીન સુરતિયાની મોસદા આ.શાળામાં, કુંડીઆંબા આ.શાળાના પ્રદીપસિંહ ઉમધરીયાની મોસ્કુટ આ.શાળામાં, ઝરીયા આ.શાળાના ગજેન્દ્રસિંહ ગોહીલની પાટ આ.શાળામાં, તાબદા આ.શાળાના સુરેશ તડવીની માલસામોટ આ.શાળામાં અને મોટાં પીપરીયા આ.શાળાના મહેશ તડવીની તાબદા આ.શાળા ખાતે નિયમ વિરુદ્ધ કામ ચલાઉ બદલી કરી હતી.જેની નર્મદા જિલ્લા આશ્રમશાળા અધિકારીએ ગંભીર નોંધ લઈ એમને મૂળ જગ્યાએ પરત કરવા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને નોટિસ આપી જાણ કરવા છતા એ નોટીસની ધરાર અવગણના કરી મુળ જગ્યાએ પરત કર્યાં નથી, જેથી અધિકારીએ તમામ 5 શિક્ષકોનો પગાર અટકાવી દિધો છે.
આ બાબતે નર્મદા જિલ્લા આશ્રમશાળા અધિકારી એચ.એલ.ગામીતે જણાવ્યું હતું કે ગ્રાન્ટ ઈન સંસ્થામાં બદલી પાત્ર નોકરી હોતી નથી, જેટે કર્મચારીએ રિટાયાર્ડ થતા સુધી એક જ જગ્યાએ નોકરી કરવી પડે છે.તે છતાં સંસ્થાએ પોતાની રીતે શિક્ષકોને મનગમતી જગ્યાએ મુકી દીધા છે.જેથી સંસ્થા, શાળા અને સરકારી કચેરીનો વહીવટ બગડે છે.એ શિક્ષકો બંનેવ જગ્યાએ ફરજ બજાવવાની જગ્યાએ ફકત બદલી વાળી જગ્યાએ ફરજ નિભાવતા હતા જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતુ હતું હોવાથી અને શિક્ષકો પોતાની મુળ જગ્યાએ ફરજ બજાવતા ન હોવાથી અમે શિક્ષકોનો પગાર અટકાવવાનો કડક નિર્ણય લીધો છે

(10:45 pm IST)