Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા ગુજરાતની નવતર પહેલ : સ્થાનિક–આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય : પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ગાંધીનગરથી ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરાયું : ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં ગુજરાતના મુખ્ય ૧૦૯ પ્રવાસન સ્થળોની વિગતો ઉપલબ્ધ : ડેશબોર્ડમાં અધ્યાત્મિક પ્રવાસનમાં-૨૪,લેઝર પ્રવાસનમાં-૪૫, હેરિટેજ પ્રવાસનમાં -૧૮ અને બિઝનેશ પ્રવાસનમાં -૨૨ સ્થળોનો સમાવેશ

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓની વિગતો ડેશબોર્ડ પર ઉપલબ્ધ : રિયલ ટાઈમ ડેટા થકી પ્રવાસન નીતિ ઘડવામાં વધુ મદદ થશે-રોજગારીની તકો વધશે : ગુજરાતના વિવિધ ૧૫ વિભાગોના સહયોગથી ડેશબોર્ડ માટે પ્રવાસન સંબંધિત ડેટા એકત્રિત : ગુજરાત બજેટ- ૨૦૨૩-૨૪માં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રૂ. ૨,૦૭૭ કરોડની જોગવાઈ :‘AATITHYAM’ એટલે Aggregate of Accessible Tourist Information on Tourism & Hospitality of Yatra And their Memories

રાજકોટ તા.૬ : પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરનાર ગુજરાત એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ, આજે ગાંધીનગરથી ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરતા પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી કહ્યું હતું કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે, આજથી  ૨૦ વર્ષ પહેલાં ભારતના પ્રવાસનના નકશામાં ગુજરાતનું ક્યાંય નામો-નિશાન નહોતું ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે જેના પરિણામ સ્વરૂપે આજે વિશ્વભરમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે મૈત્રી પૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસનને એક મિશન મોડ તરીકે લેવા કરેલા અનુરોધના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષે ૨૦૨૩-૨૪ના ગુજરાત બજેટમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રૂ. ૨,૦૭૭ કરોડની જોગવાઈ એટલે કે ગત વર્ષ કરતા પ્રવાસન બજેટમાં ૩૪૬ ટકાનો વધારો કર્યો છે. 

પ્રવાસન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ, પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેની માહિતી પણ એકત્ર થશે એટલું જ નહિ, ડેશબોર્ડના માધ્યમથી પ્રવાસીઓની ઉંમર, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પ્રવાસનો હેતુ, કેટલા દિવસ કે રાત્રિ રોકાણ કર્યું તેની વિગતો પણ ઉપલબ્ધ થશે. સચોટ આંકડાકીય વિગતો પ્રાપ્ત થવાને પરિણામે પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના, પ્રવાસી સુવિધાઓ વિકસાવવા તેમજ પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં ગુજરાત સરકારને વધુ સરળતા રહેશે. ગુજરાતના GSDPમાં પ્રવાસન ક્ષેત્રના યોગદાન વિશે ચોક્કસ માહિતી પણ પ્રાપ્ત થશે. 

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ‘ગુજરાત’ ચાર અક્ષરનો આ શબ્દ આજે વિકાસનાં નકશામાં કંઈક અલગ ભાત પાડી રહ્યો છે. ગુજરાતની શ્રેષ્ઠતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનો વિકાસ આ ત્રિવેણી સંગમ ગુજરાતની ગરિમાની આગવી ઓળખ છે. ગુજરાતે ટુરિઝમ સેક્ટરમાં અનેક નવી પહેલ કરી છે. ટુરિઝમ પોલિસી અને હેરિટેજ ટુરિઝમ પોલિસીનો નવો કન્સેપ્ટ ગુજરાતે દેશને આપ્યો છે એટલું જ નહિ, હોમ સ્ટે પોલિસી દ્વારા ગ્રામ્યવિસ્તારમાં રોજગારીની તકોમાં વધારો થયો છે. ટુરિઝમ સેક્ટરે રાજ્યની અર્થવ્યવસ્થાને નવું બળ પૂરું પાડ્યું છે. ગુજરાત સરકાર ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત વણ ખેડાયેલા પ્રવાસન ધામોને વિકસાવી રોજગારીની વિપુલ તકો ઉભી કરી રહી છે તેમ જણાવી મંત્રીશ્રીએ નવીન ડેશબોર્ડ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. 

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના અધિક સચિવશ્રી રાકેશ વર્માએ ઇ-માધ્યમથી સંબોધન કરતા પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા આ પ્રકારના ડેટા એકત્રિત કરતા ડેશબોર્ડના નિર્માણ બદલ  સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ રિયલ ટાઈમ ડેટા થકી પ્રવાસન ઉદ્યોગના વિકાસની સાથે પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પહેલ અન્ય રાજ્યો માટે રોલ મોડલ સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

 

પ્રવાસન સચિવશ્રી હારિત શુક્લાએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પ્રવાસનને વિશેષ પ્રાધાન્ય આપવાના ભાગરૂપે ચાલુ વર્ષના બજેટમાં અંદાજે ત્રણ ગણો વધારો કર્યો છે જેના પરિણામના સ્વરૂપે પ્રવાસન ક્ષેત્રે વિકાસની સાથે રોજગારીની નવી તકો ઉભી થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસનને મિશન મોડ તરીકે લેવા આહવાન કરીને તેમાં ટેકનોલોજી અને ડિજિટિલાઇઝેશનનો મહતમ ઉપયોગ કરવા પર ભાર મુક્યો છે. ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં ગુજરાતના મુખ્ય ૧૦૯ પ્રવાસન સ્થળોની વિગતો ઉપલબ્ધ છે જેમાં અધ્યાત્મિક પ્રવાસનમાં-૨૪, લેઝર પ્રવાસનમાં-૪૫, હેરિટેજ પ્રવાસનમાં -૧૮ અને બિઝનેશ પ્રવાસનમાં -૨૨ સ્થળોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા દેશ-વિદેશના પ્રવાસીઓની વિગતો ડેશબોર્ડ પર ઉપલબ્ધ છે. રિયલ ટાઈમ ડેટા થકી પ્રવાસન નીતિ ઘડવામાં વધુ મદદ મળશે તેમજ આ ક્ષેત્રે રોજગારીમાં વધારો થશે.

ટીસીજીએલના એમડી અને કમિશનરશ્રી આલોક પાંડેએ ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરતાં કહ્યું હતું કે, ‘AATITHYAM’ એટલે Aggregate of Accessible Tourist Information on Tourism & Hospitality of Yatra And their Memories . જેમાં ગુજરાતના વિવિધ ૧૫ વિભાગોના સહયોગથી ડેશબોર્ડ માટે પ્રવાસન સંબંધિત ડેટા એકત્રિત કરાશે. હાલમાં આ ડેશબોર્ડમાં ગુજરાતના ૧૦૯ પ્રવાસન સ્થળોની વિગતોનો સમાવેશ થાય છે જેમાં વધારો કરીને ૨૦૦ સુધી લઇ જવાશે.

આ લોન્ચિંગ કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર ખાતે પ્રવાસનના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ જિલ્લામાંથી કલેકટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, જિલ્લા પોલીસ અધિકારીઓ, રાજ્યના વિવિધ ટુરિઝમ એસોસિએશનના પ્રતિનિધિઓ ઓનલાઈન માધ્યમથી સહભાગી થયા હતા.   

જનક દેસાઈ               

(3:34 pm IST)