Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુજરાતીઓનો ‘ગોલ્‍ડ' પ્રત્‍યેનો પ્રેમ યથાવત

સોનુ મોંઘુદાટ પણ ડિમાન્‍ડ સર્વોચ્‍ચ શિખરે : ફેબ્રુઆરીમાં આયાત ૧૮૮ ટકા વધી થઇ ૫.૫ મેટ્રિક ટન

અમદાવાદ, તા.૬: લગ્નની સીઝન અને અન્‍ય પ્રસંગોના મુરતના કારણે સોનાના ઘરેણાની માંગ આખા ફેબ્રુઆરી મહિના દરમ્‍યાન વધારે રહી હતી. આ વધેલી માંગના કારણે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં સોનાની આયાત ૫.૫ મેટ્રીક ટન થઇ હતી જે જાન્‍યુઆરીના ૧.૯૧ ટન કરતા પણ ૧૮૮ ટકા વધારે હતી, જો કે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં તે લગભગ સરખી જ રહી હતી. શનિવારે અમદાવાદની બજારમાં સોનાના ભાવ ૫૭૮૦૦ પ્રતિ ગ્રામ રહ્યા હતા. ઉંચા ભાવો હોવા છતા લગ્નની સીઝનના કારણે માંગ વધારે રહી હતી.

શહેરના એક જવેલરે કહ્યું કે લોકો બજેટમાં એકસાઇઝ ડયુટી ઘટવાની આશા રાખી રહ્યા હતા અને ત્‍યાં સુધી ખરીદી ટાળી રહ્યા હતા. પણ બજેટમાં ડયુટી કે ટેક્ષમાં કોઇ રાહત ના મળ્‍યા પછી લોકો ખરીદી કરવા નીકળી પડયા હતા.

હોળષ્‍ટકમાં લોકો ખરીદી કરવાનું ટાળતા હોવાથી ફેબ્રુઆરીના છેલ્લા સપ્‍તાહમાં માંગ નબળી રહી હતી. માણેકચોક ચોકસી મહાજનના સભ્‍ય અને સોનાના વેપારી હેમંત ચોકસીએ કહ્યું, આગામી મહિનાઓમાં કોઇ તહેવાર કે લગ્નના મુરત નથી આવતા. આના પરિણામે આગામી મહિનાઓમાં સોના અને આભુષણોની માંગ નબળી રહેશે તેવુ દેખાઇ રહ્યુ છે. ઉંચા ભાવો અને બજારમાં અસ્‍થિરતાના કારણે રોકાણકારોનો રસ ઓછો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના રોકાણકારોને થોભો અને રાહ જુઓ મોડમાં છે.

(10:53 am IST)