Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

પુરી તૈયારી હોવા છતાં પરીક્ષાના ડરને કારણે ભુલી જવાય છે, પેપર સરળ હશે કે અઘરૂ ? કયા વિષયનું પેપર કેવું હશે ? બોર્ડની પરીક્ષા પહેલા હેલ્પલાઇન ઉપર વિદ્યાર્થીઓના અસંખ્ય ફોન

ગાંધીનગરઃ તા.૧૨ માર્ચથી શરૂ થનાર ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા માટે સરકાર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેના ઉપર દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ ફોન કરીને પોતાના મુંઝવતા પ્રશ્નો પૂછી રહ્યા છે.

રાજ્યભરમાં ૧૨ માર્ચથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાના શ્રીગણેશ થનાર છે ત્યારે પરીક્ષાઓના મારા વચ્ચે વિદ્યાર્થીઓની પરીક્ષા સંબંધિત મુંઝવણોમાં ધરખમ વધારો થઈ ગયો છે. જીવન આસ્થા હેલ્પલાઈન પર કોલની સંખ્યામાં રસપ્રદ બાબત બહાર આવી છે. જે અંતર્ગત હેલ્પલાઈન ઉપર બે માસમાં આવેલા કોલમાં વિદ્યાર્થીઓના કોલનો રેસિયો ૨૩ ટકા નોંધાયો છે. હેલ્પલાઈન પર જાન્યુઆરીમાં વિદ્યાર્થીઓના ૩૨૮ અને ફેબ્રુઆરીમાં ૨૩૪ કોલ નોંધાયા છે.તેમજ વિદ્યાર્થીઓ વાંચન, રિવિઝનની સાથે હોલ ટિકિટમાં ભૂલ છે, શાળા ક્યાં છે? જેવા વિચિત્ર પ્રશ્નો પણ પુછવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જીવન આસ્થા હેલ્પલાઈન (સંપર્ક નં.૧૮૬૦૨૬૬૨૩૪૫) પર માનસિક તણાવ, ડર, રિલેશનશીપ, આત્મહત્યાના વિચારો, જાતિય સમસ્યાઓ સંબંધિત કોલ કરવામાં આવતા હોય છે. જોકે, પરીક્ષા નજીક આવતા પરીક્ષા સંબંધિત મુંઝવણો દૂર કરવા માટે વિદ્યાર્થીઓના કોલનો મારો જોવા મળી રહ્યો છે. બે મહિનામાં કુલ ૨૪૮૨ પૈકી વિદ્યાર્થીઓના ૫૬૨ કોલ આવ્યા હતા.

કાઉન્સિલરના જણાવ્યા મુજબ, સુરત સિવાય રાજ્યભરમાંથી અને રાજ્ય બહારના વિદ્યાર્થીઓએ પણ હેલ્પલાઈન પર કોલ કરીને મુંઝવણો રજુ કરી હતી. વળી, ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડના વિદ્યાર્થીઓએ પણ સંપર્ક કર્યો હતો. જેમાં વાંચન અને રિવિઝનને બાદ કરતા હોલ ટિકિટમાં ભુલ છે તો શું કરું? શાળા ક્યાં આવી છે?, ઉત્તરવહીમાં બારકોડ સ્ટીકર કેવી રીતે લગાડવાનું? જેવા વિચિત્ર પ્રશ્નો પુછાયા છે.

હેલ્પલાઈન પર પુછાયેલ વધુ પ્રશ્નો................

પેપર સરળ હશે કે અઘરું? કયા વિષયનું પેપર કેવુ હશે?

વાંચન, રિવીઝન કરતી વેળાએ ઊંઘ આવે છે, તો શું કરવું?

અઠવાડિયું બાકી છે તો ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું?

પુરી તૈયારી હોવા છતાં ડરને કારણે ભુલી જવાય છે, તો શું કરવું?

હોલ ટિકિટમાં ભુલ છે, શું કરું? બારકોડ સ્ટીકર કેવી રીતે લગાડવું?

(6:11 pm IST)