Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

અમેરિકા ખાતે હિંદુ પરંપરાનુસાર ભવ્યતાપૂર્વક ઉજવાયો હોળી-ધૂળેટીનો ઉત્સવ

અમદાવાદ : હિંદુ સંસ્કૃતિ પ્રવર્તનના કેન્દ્ર સમાન સવાનાહ-જયોર્જીયા ખાતે આવેલા એસજીવીપી ગુરૂકુલ, સનાતન મંદિર (એસજીવીપી અમદાવાદની શાખા) ખાતે વિવિધતા સભર અનેક ઉત્સવો ઉજવાતા રહે છે.

સ્વામી શ્રી માધવપ્રિયાદાસજીની પ્રેરણાથી હિંદુ પરંપરા અનુસાર હોળી-ધૂળેટીના ઉત્સવો પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા.

પુરાણોની કથા અનુસાર ઢુંઢા રાક્ષસીના ત્રાસમાંથી મુકિત માટે, પ્રહલાદજીની રક્ષા થયાના આનંદ માટે અને ભગવાન શ્રી નરનારાયણના પ્રાગટયોત્સવ પ્રસંગે હોળી, ધૂળેટી, વસંતોત્સવ, રંગોત્સવ, પુષ્પદોલોત્સવ વગેરે વિવિધ નામોથી મનાવાતો ઉત્સવ સનાતન મંદિર-સવાનાહ ખાતે જયોર્જિયા તેમજ સાઉથ કેરોલાઇનના સ્ટેટના વિવિધ વિસ્તારોમાંથી ખુબ જ મોટી સંખ્યામાં પધારેલા ભકતજનોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો.

સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ વિડીયો સંદેશ પાઠવતા હોળીનો મહિમા, પ્રહલાદજીની કથા તેમજ ભગવાનના ચરણમાં અચળ ભરોસો રાખવાની પ્રેરણા આપી હતી. વિશેષમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે સનાતન મંદિરમાં આરસમાંથી નિર્માણ થયેલી ભગવાનની દિવ્ય પ્રતિમાઓનો પ્રતિષ્ઠાવિધી ર૧ નવેમ્બર, ર૦૧૮માં થશે. આ પ્રસંગે ભવ્ય મહોત્સવનું પણ આયોજન કરવામાં આવેશ. પ્રતિષ્ઠા મહોત્સવની જાહેરાતને સૌ ભાવિકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી.

શનિવારની સંખ્યાએ હોળી પ્રગટાવીને ઉત્સવ મનાવાયો અને રવિવારે સવારે ભગવાનનું પુષ્પોથી પુજન કર્યા બાદ રંગોત્સવમાં સૌએ ખુબ જ આનંદ માણ્યો હતો.

સનાતન મંદિરમાં સેવા કરનારા ભાવિક ભાઇ-બહેનોએ ખુબ જ મહેનત કરીને આ મહોત્સવની પૂર્વ તૈયારીઓ કરી હતી ઉત્સવના અંતિમ ચરણમાં પધારનારા તમામ ભકતજનોને ખુબ જ પ્રેમથી પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો હતો.

(4:18 pm IST)