Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

આણંદ-તારાપુરથી વાસદ હાઇવે નજીક પુરપાટ ઝડપે જતા ટ્રેલર ચાલકે ટક્કર મારતા ટ્રક રીપેરીંગ કરતા મિકેનિકનું મૃત્યુ

આણંદ : તારાપુરથી વાસદ હાઈવે ઉપર માણેજ ગામની નજીક એક ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સાઈડમાં ઉભી રહેલ બગડેલી ટ્રકને ટક્કર મારતા ટ્રકના ચાલક સહિત રીપેરીંગ કરી રહેલા એક શખ્સને ઈજાઓ પહોંચી હતી. જો કે ટ્રકના ચાલકનું સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા.૩જી ફેબુ્રઆરી-૨૦૨૩ના રોજ માળીયા ગામેથી ટ્રકમાં મીઠું ભરી બલરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા ભરૂચ જવા માટે નીકળ્યા હતા. દરમ્યાન તેઓની ટ્રક રાત્રીના સુમારે તારાપુર-વાસદ હાઈવે ઉપર આવેલ માણેજ ગામ નજીક પહોંચતા ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. બલરાજસિંહે આ અંગે ટ્રકના માલિક પરાક્રમસિંહ જાડેજાને જાણ કરતા પરાક્રમસિંહે સવારના સમયે મીકેનીક બોલાવી રીપેરીંગ કરાવવા જણાવ્યું હતું. 

બીજા દિવસે સવારે તારાપુરના મીકેનીક લુકમાનભાઈ વહોરાને બોલાવી બલરાજસિંહ ટ્રક રીપેરીંગ કરતા હતા. દરમ્યાન પાછળથી પુરઝડપે આવી રહેલ એક ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારતા બલરાજસિંહ તથા મિકેનીક લુકમાનભાઈને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. 

અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તારાપુરના સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાંથી ટ્રકચાલક બલરાજસિંહને વધુ સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. 

(6:42 pm IST)