Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એફએમ રેડિયો સ્ટેશન ઉભુ કરવા તૈયારી

એફએમ સ્ટેશન માટે પાંચ કરોડ

અમદાવાદ, તા. ૬ : અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો અપાયો છે ત્યારે ગુજરાત રાજયમાં સૌપ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એફએમ રેડિયો સ્ટેશન બનાવવાનું શાસક પક્ષ ભાજપ દ્વારા બજેટમાં ઠરાવવામાં આવ્યું છે. એટલું જ નહી, ભારતના સૌપ્રથમ હેરીટેજ સીટી બનેલા અમદાવાદના વિવિધ સ્થાપત્ય અને ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસા અંગે દેશ અને દુનિયાના લોકોને જાણકારી પ્રસિધ્ધિ મળે તેમ જ અમદાવાદ શહેરમાં હેરીટેજ ટુરીઝમનો વ્યાપ વધે તે હેતુથી અમદાવાદ ખાતે વર્લ્ડ હેરીટેજ કોન્ફરન્સનું આયોજન કરવાનું ઠરાવાયું છે અને આ માટે બજેટમાં ખાસ પ્રકારે રૂ.ત્રણ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત રાજયના સૌપ્રથમ એફએમ રેલ્વે સ્ટેશનના માધ્યમથી અમ્યુકોના આશરે ૯૦૦ જેટલા મકાનો-સંકુલ, બીઆરટીએસ બસ સેવા, એએમટીએસ, મ્યુનિસિપલ ગાર્ડન, જાહેર માર્કેટ, કાંકરિયા તળાવ તેમ જ વિવિધ મ્યુનિસિપલ શાળાના મકાનોમાં આ રેડિયો સ્ટેશન દ્વારા ગીત, સંગીત, સાંસ્કૃતિક વાર્તાલાપ, અમ્યુકો અને રાજય સરકારની વિવિધ યોજનાઓની માહિતી-જાણકારી ઉપરાંત, સ્માર્ટ સીટી અંતર્ગત તૈયાર કરેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત થતી ટ્રાફિક અંગેની માહિતી અને ચોમાસા કે કુદરતી આપત્તિ દરમ્યાન આ રેડિયો સ્ટેશન દ્વારા ઉપયોગી સૂચના અને માર્ગદર્શન નગરજનોને ઉપલબ્ધ બનાવી શકાશે. આ એફએમ રેડિયો સ્ટેશન માટે શાસક પક્ષ ભાજપ દ્વારા બજેટમાં રૂ.પાંચ કરોડની જોગવાઇ કરાઇ છે.

(9:49 pm IST)