Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

ધાર્મિક કે ચેરીટેબલ ટ્રસ્ટને દાન આપનારાની ઓળખ છતી થશે

જે તે સંસ્થા દાન આપનારની માહીતી આપશે ત્યારે જ કપાત મળશે

અમદાવાદ, તા., ૬: અમદાવાદ સહીત રાજયભરનાં ધાર્મિક  કે ચેરીટેબલ  ટ્રસ્ટોએ હવેથી તેમને મળતા દાન અને દાતાની ઓળખ છતી કરવી પડશે. દાનના બહાને ચેરીટેબલ અને ધાર્મિક ટ્રસ્ટમાં ચાલતા વ્યવહાર ઉપર હવે સરકારે લગામ લગાવી છે. તાજેતરમાં રજુ થયેલા કેન્દ્રીય બજેટમાં સરકારે ગુપ્તદાન આપનારા દાતાની યાદી પણ ટ્રસ્ટ પાસે માગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુપ્તદાન આપનારની માહિતી માગવામાં આવતી ન હતી, પરંતુ હવે તેની શરૂઆત કરાઇ છે. તે મુજબ હવે અમદાવાદ શહેરમાં ૪૦ હજારથી વધુ સંસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ કાયદા હેઠળ નોંધાયેલી છે. ચાલુ નાણાકીય વર્ષમાં હવે દાન મેળવનાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાન આપનારાની વિગત દર્શાવતું સ્ટેટમેન્ટ આવકવેરા વિભાગમાં પણ જમા કરાવવું પડશે એટલું જ નહિ, દાન આપનારને દાન માટેનું સર્ટિફિકેટ પણ આપવું પડશે. આ સર્ટીફિકેટના આધારે કરદાતા તેના રિટર્નમાં દાન માટે કર માફીનો દાવો કરી શકશે. જે ધાર્મિક કે ચેરીટેબલ ટ્રસ્ટ દાતાઓ અને તેમની દાનની રકમ સાથેનું સ્ટેટમેન્ટ જમા નહિ કરાવે તેમને પેનલ્ટી ભોગવવાની તૈયારી રાખવી પડશે.

એક વાર નોંધણી કરાવ્યા પછી પાંચ વર્ષ સુધી કરમુકિતનો લાભ લઇ શકાશે. ચેરીટેબલ ટ્રસ્ટને કેટલાક દાન આપનારા દાનના ચેક આપી પાછળથી રોકડા રકમ મેળવી બેનામ રૂપિયા સગેવગે કરી દેતા હોવાની અનેક ફરીયાદ વિભાગને મળતી હતી, જેથી હવે ધર્માદાના કોઇપણ હેતુ માટે કોઇપણ ચેરીટેબલ કે ધાર્મિક સંસ્થાને દાન આપવાના સંદર્ભમાં આવકવેરા કાયદાની કલમ-૮૦ જીની પેટાકલમ-પ હેઠળ ત્યારે જ કપાત મળશે, જયારે જે તે સંસ્થા દાન આપનારાની માહિતી દર્શાવશે.

(8:45 pm IST)