Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

સ્કૂલનો વેકેશનનો સમય બદલાતાં ટૂર પેકેજ રદ કરાવવા માટે દોડધામ

ટૂર ઓપરેટરો જ નહિ પરંતુ હોટેલ, ખાનગી લકઝરી બસો, રેલ્વે રિઝર્વેશન જેમણે કરાવ્યા છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે

અમદાવાદ, તા.૬: રાજય સરકારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧નું સત્ર જૂનના પહેલા-બીજા સપ્તાહને બદલે હવે ૨૦મી એપ્રિલ ૨૦૨૦થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે, વેકેશનની તારીખમાં તો કોઈ ફેરફાર નથી કરાયો પરંતુ શાળાઓમાં ૨૦મી એપ્રિલ આસપાસ પરીક્ષાઓ મોટે ભાગે પૂર્ણ થઈ જતી હતી અને જે વધારાના ૧૦થી ૧૫ દિવસ રજાના મળતાં હતા અને તેમાં વાલીઓએ ટૂરનું બુકિંગ કરાવી લીધું હતું તે હવે રદ્ થવા માંડયા છે, અમદાવાદ સહિત રાજયના ટૂર ઓપરેટરોને ત્યાં ટૂર પાછા ઠેલાવવા માટે ધસારો જોવાયો હતો. આમ એડવાન્સ બુકિંગ કરાવનારા લોકો અને ટૂર ઓપરેટરો માટે જાહેરાત માથાના દુઃખાવારૂપ બની છે.

એપ્રિલ મહિનાના અંતથી માંડી ત્રીજી મેના અરસામાં પ્રવાસે જવાનું નક્કી કરાનારા હાલ તો ફસાયા છે, અમદાવાદની ખાનગી પ્રાથમિક શાળાઓમાં મોટે ભાગે ૧૮મી એપ્રિલના શનિવારે છેલ્લી પરીક્ષાની તારીખ છે, એ પછીથી જ વેકેશનનો પ્રારંભ થઈ રહ્યો છે તેવું માનીને એડવાન્સ બુકિંગ કરાવનારા વાલીઓ હવે ટૂર ઓર્ગેનાઈઝરો ઉપર દબાણ કરી પોતાના પ્રવાસની તારીખમાં ફેરફાર કરવા માથાપચ્ચી કરી રહ્યા છે. ટૂર ઓપરેટરો જ નહિ પરંતુ હોટેલ, ખાનગી લકઝરી બસો, રેલ્વે રિઝર્વેશન જેમણે કરાવ્યા છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે, એક ટૂર ઓર્ગેનાઈઝરે જણાવ્યું કે, એપ્રિલ મહિનાના અંતથી માંડીને ત્રીજી મે સુધી હવે શાળાઓ ચાલુ રહેવાની છે તેના કારણે લોકોએ પેકેજ રદ્ કરવા માટે દોડાદોડી શરૂ કરી દીધી છે, રેલ્વે રિઝર્વેશન કરાવનારાને નવેસરથી ટિકિટ લેવાની થશે અને જે ટિકિટ કેન્સલ કરાવશે તેનું પૂરું રિફંડ પણ નહિ મળે તેના કારણે નુકસાન પણ ભોગવવું પડશે.

(10:02 am IST)