Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

કોરોના વાયરસઃ સુરતના હીરા બજારને ૮૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો

હોંગકોંગ શહેર સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું મુખ્ય કેન્દ્ર છે, વાર્ષિક સ્તરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના પોલિશ હીરા એકસપોર્ટ થાય છે

મુંબઇ, તા.૬: ચીનમાં વ્યાપેલા કોરોનાવાયરસને કારણે સુરતના હીરા ઉદ્યોગના આગામી બે મહિનામાં ૮,૦૦૦ કરોડ રુપિયાનું નુકસાન પહોંચવાની આશંકા છે. હીરા ઉદ્યોગના નિષ્ણાંતો મુજબ સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ચીનનું હોંગકોંગ એક મોટુ અને મુખ્ય કેન્દ્ર છે, પરંતુ ત્યાં કોરોનાવાયરસને કારણે ઇમરજન્સી જાહેર કરેલી છે. જેના કારણે હીરા વેપાર પર મોટા પ્રમાણમાં પ્રતિકૂળ અસર પડી રહી છે.

જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિઝનલ ચેરમેન દિનેશ નવાડિયાનું કહેવું છે કે, સુરતમાંથી દર વર્ષે ૫૦,૦૦૦ કરોડ રુપિયાના પોલિશ કરેલા હીરા હોંગકોંગ એકસપોર્ટ કરવામાં આવે છે જે સુરતના કુલ ડાયમંડ એકસપોર્ટનો ૩૭% હિસ્સો છે.  

હોંગકોંગમાં કોરોનાવાયરસના પ્રકોપે માર્ચના પહેલા અઠવાડિયા સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં જે હીરા વેપારીઓ ચીનમાં પોતાની ઓફિસ ધરાવે છે તેઓ સ્વદેશ પાછા ફરી રહ્યા છે. જો પરિસ્થિતિ યથાવત રહે છે તો સુરતના હીરા ઉદ્યોગને ભારે નુકસાન પહોંચી શકે છે. ભારતમાં આયાત કરેલા હીરા પૈકી ૯૯% હીરા સુરતમાં પોલિશ કરવામાં આવે છે.

સુરત ડાયમંડ બિઝનેસના વેપારી પ્રવીણ નાણાવટી મુજબ હોંગકોંગમાં આવતા મહિને ઇન્ટરનેશનલ જવેલરી એકિઝબિશન લાગવાની હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે તેને રદ કરવામાં આવે તેવી શકયતા છે જો આમ બન્યું તો સુરતના જવેલરી બિઝનેસને ભારે અસર થશે કારણ કે ઇન્ટરનેશનલ એકિઝબિશનમાં હીરા અને જવેલરીનું ધુમ વેચાણ થાય છે. આ દરમિયાન મળતા ઓર્ડરના આધારે સુરતના હીરા વેપારીઓ તેમનો વાર્ષિક ટારગેટ નક્કી કરે છે.

(10:02 am IST)