Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

રાજ્યમાં RTE હેઠળ એડમિશનમાં ગેરરીતિ-અમલવારીના વિવાદ અંગે તપાસ સમિતિ નીમવા સુપ્રીમ કોર્ટનો આદેશ

હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અધ્યક્ષ હશે: શિક્ષણના ક્ષેત્રમાં વિદ્વતા હોય તેવા લોકો તેમજ સરકારી અધિકારીઓ સમિતિનો ભાગ રહેશે

 

અમદાવાદઃ રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારીનો વિવાદ. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને મહત્વના નિર્દેશ આપ્યા હતા. રાજ્યની ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને અપાતા પ્રવેશમાં ચાલતી ગેરરીતિના આક્ષેપોની તપાસ માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ત્રણથી પાંચ સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નીમે તેઓ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો.છે

 આ કમિટીમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અધ્યક્ષ હશે, શિક્ષણના ક્ષેત્રમાં વિદ્વતા હોય તેવા લોકો તેમજ સરકારી અધિકારીઓ આ સમિતિનો ભાગ રહેશે. ખાનગી શાળાઓ ઓછી બેઠક બતાવીને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં ગોલમાલ કરતી હોવાનો સુપ્રીમ કોર્ટમાં આરોપ લગાવાયો હતો. ગરીબ બાળકોના પ્રવેશ મુદ્દાને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ કર્યા હતા.સમિતિની રચના બાદ ત્રણ મહિનામાં સમિતિએ આપવાનો અહેવાલ રહેશે.

  ગુજરાતમાં ખાનગી શાળાઓ આર.ટી.ઇ.(રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડે તે માટે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી દર્શાવતી હોવાના આક્ષેપો અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને તપાસ સમિતિ નિમવાનો નિર્દેશ આપ્યો છે. આ ગેરરીતિના તથ્યો બહાર લાવવા માટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને નિવૃત્ત જજના વડપણ હેઠળની સમિતિનું ગઠન કરવાનો નિર્દેશ અપાયો છે

  . સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ એસ.એ. નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠે સમક્ષ અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવા માટે બનાવવામાં આવેલા આર.ટી.ઇ. કાયદા અનુસાર દરેક ખાનગી શાળાએ તેમના 25 ટકા ક્વોટા આર.ટી.ઇ. હેઠળ જરૂરિયાતમંદ બાળકો માટે ફાળવવાનો હોય છે. પહેલા ધોરણમાં આર.ટી.ઇ. હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ ન આપવો પડે તે માટે સંખ્યાબંધ ખાનગી શાળાઓ ઓછી વિદ્યાર્થીસંખ્યા દર્શાવી રહી હોવાનો અરજદારનો આક્ષેપ છે.

  અરજદારની રજૂઆત છે કે ગુજરાતમાં 1000 શાળાઓએ સરકારને એવી વિગત આપી છે કે પહેલા ધોરણમાં તેમની પાસે શૂન્ય વિદ્યાર્થીસંખ્યા છે. જ્યારે ચાર હજારથી પણ વધુ શાળાઓએ પહેલા ધોરણમાં વિદ્યાર્થી સંખ્યા 40થી પણ ઓછી દર્શાવી છે. ખાનગી શાળાઓ આવી રીતે તેમની વિગતો છૂપાવીને સરકાર, તંત્ર અને ગરીબ વિદ્યાર્થીઓની મજાક ઉડાવી રહી હોવાનો અરજદારનો આક્ષેપ છે. આ રજૂઆતોને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ આક્ષેપો અંગે તપાસ સમિતિ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ થાય તે જરૂરી છે.

  હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આ અંગે હાઇકોર્ટના નિવૃત્ત જજને અધ્યક્ષ બનાવી તપાસ સમિતિનું નિર્માણ કરે. તેમની સાથે બે અથવા ચાર અન્ય સભ્યની પણ નિયુક્તિ કરવામાં આવે. સરકારી કર્મચારી કે શિક્ષણક્ષેત્રે અનુભવ ધરાવતા વ્યક્તિઓની સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવે. આ સમિતિ તેમની પહેલી બેઠક બાદના ત્રણ મહિનામાં તપાસ અહેવાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરે.

(12:31 am IST)