Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

મેઘાણીનગરમાં અસામાજિક તત્વોનો ફરીએકવાર આંતક

ભાર્ગવ રોડ પર મોડી રાત્રે વાહનોમાં તોડફોડ : મેઘાણીનગરમાં પોલીસની ભૂમિકાની સામે ગંભીર સવાલો કાર્યવાહી નહીં કરનારા પોલીસ સામે પગલા લેવા માંગણી

અમદાવાદ, તા.૫ :  શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો હતો. હજુ બે દિવસ પહેલાં જ મેઘાણીનગરમાં આવેલી કુંભાજીની ચાલીમાં અસામાજિક તત્વોએ ખુલ્લી તલવાર, પાઇપો, લાકડી જેવા ઘાતક હથિયારો સાથે ચાલીમાં પડેલા ૨૦થી વધુ વાહનોમાં તોડફોડ કરી આંતક મચાવ્યો હતો, ત્યારે ગઇ મોડી રાત્રે લુખ્ખા તત્વોએ તલવાર, પાઇપો સહિતના ઘાતક હથિયારો સાથે આ વખતે ભાર્ગવ રોડ પર આંતક મચાવ્યો હતો. જેને પગલે સ્થાનિક રહીશોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, અસામાજિક તત્વોના આંતકને લઇ રોષે ભરાયેલા લોકોએ મેઘાણીનગર પોલીસ સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને પોલીસ વિરૂધ્ધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો.

             જેને લઇ વાતાવરણ ગરમાયું હતું.  સ્થાનિક રહીશોએ પોલીસ પર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, જો પોલીસ નાગરિકોનું રક્ષણ ના કરી શકતી હોય તો, શહેર પોલીસ કમિશનર અને ડીજીપીએ આવા મૂકપ્રેક્ષક બનીને રહેનારા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અને બરતરફ કરી દેવા જોઇએ. બે દિવસમાં લુખ્ખા તત્વો દ્વારા આંતક અને વાહનોમાં આ તોડફોડની બીજી ઘટના નોંધાતા સ્થાનિક રહીશોમાં ભારોભાર આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. ખાસ કરીને લોકો મેઘાણીનગર પોલીસ સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શહેરના મેઘાણીનગર, અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં છાશવારે અસામાજિક તત્વોની દાદાગીરી, લુખ્ખાગીરી અને આંતક સામે આવતાં રહે છે ત્યારે આ માત્ર શહેરના પૂર્વ વિસ્તારની જ વાત નથી,

            શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પણ અસામાજિક તત્વોના ન્યુસન્સની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે અને પોલીસને ખબર પણ હોય છે પરંતુ પોલીસ કશું પગલાં લેતી નથી કે કોઇ કાર્યવાહી કરતી નથી, તેથી જ પોલીસ કમિશનર અને રાજયના ડીજીપીએ પોલીસ તંત્રના આવા અધિકારીઓ-કર્મચારીઓને ફરજ અને કર્તવ્યનિષ્ઠાના પાઠ ભણાવવા જોઇએ તેવી લાગણી પણ લોકોમાં ઉઠવા પામી છે. હજુ બે દિવસ પહેલાં જ શહેરના મેઘાણીનગરમાં આવેલી કુંભાજીની ચાલીમાં રહેતો અને રીક્ષા ડ્રાઈવર ધર્મેન્દ્ર પરિહાર મોડી રાતે તેના ઘરની બહાર સૂતો હતો ત્યારે હનુમાનનગરમાં રહેતો ઓમકિશોર પરિહાર, વિવેક યાદવ, રવિ અને અન્ય શખ્સો હાથમાં તલવાર, પાઇપ અને દંડા સાથે આવ્યા હતા અને પાર્ક કરેલી રીક્ષાઓ તથ્ય અન્ય વાહનોમાં તોડફોડ કરી ભારે આંતક મચાવ્યો હતો. ધર્મેન્દ્ર અને તેના પિતાએ રોકતા ઓમકિશોર અને વિવેકે તેને તલવાર મારી દીધી હતી

        . ખિસ્સામાં રહેલો ફોન અને સોનાનો દોરો પણ લૂંટી લીધો હતો. રીતસરનો આતક મચાવી અન્ય વાહનોમાં તોડફોડ કરી અને અન્ય શખસોને પણ તલવાર મારી હતી. અસામાજિક તત્વોએ સ્થાનિક રહીશો સાથે ગાળાગાળી કરી જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી  હતી અને બાદમાં ત્યાંથી નાસી ગયા હતા. પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ બીજીબાજુ, ગઇ મોડી રાત્રે મેઘાણીનગરના જ ભાર્ગવ રોડ પર ફરી એકવાર અસામાજિક  તત્વોના આંતક અને વાહનોમાં તોડફોડની ઘટના સામે આવતાં મેઘાણીનગર પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠયા છે ત્યારે હવે શહેર પોલીસ કમિશનર કે ડીજીપીએ આ સમગ્ર મામલે આકરી કાર્યવાહી કરવી જ રહી.

(9:38 pm IST)