Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પૂર્વ ક્ષેત્રમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-ડ્રેનેજ નેટવર્ક બનશે

પ્રદૂષિત પાણીના નિકાલ માટે ખાસ આયોજન : નાના ચિલોડાથી ઓઢવ રીંગ રોડ સુધીના રોડને સમાંતર મેઇન ટ્રન્ક લાઇનની સાથે જોડતી નવી ડ્રેનેજ લાઇન નંખાશે

અમદાવાદ,તા.૬ : શહેરના પૂર્વ વિસ્તારમાં ઔદ્યોગિક ગૃહો, ફેકટરીઓ અને કારખાનાઓના પ્રદૂષિત, કેમીકલયુકત અને જોખમી એફલુઅન્ટને લઇ તેના શુધ્ધિકરણ અને રીસાયકલ કરી ફરી ઉપયોગ માટે પણ અમ્યુકો સત્તાધીશોએ વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ખાસ આયોજન કર્યું છે. જે મુજબ, શહેરના પૂર્વ વિસ્તારમાં ઔદ્યોગિક ગૃહોના આવા પ્રદૂષિત પાણી અને એફલુઅન્ટ માટે રૂ.દસ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડ્રેનેજ નેટવર્ક ઉભા કરવામાં આવશે. આ માટે નાના ચિલોડાથી ઓઢવ રીંગ રોડ સુધીના રોડને સમાંતર મેઇન ટ્રન્ક લાઇન સાથે જોડતી નવી ડ્રેનેજ લાઇન નંખાશે. શહેરના પૂર્વ વિસ્તારો નવા નરોડા, હંસપુરા, નવા ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, વિંઝોલના વિસ્તારોનું સુએઝ રીંગરોડને સમાંતર ૨૦૦૪માં ઔડા દ્વારા નાંખવામાં આવેલી મેઇન ટ્રન્ક લાઇન મારફતે વિંઝોલ એસટીપી(સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ), જૂના તથા નવા પીરાણા એસટીપીમાં હાલ ટ્રીટ થાય છે. પૂર્વ વિસ્તારોમાં હાલ વર્ટિકલ ડેવલપમેન્ટ ઝડપથી થઇ રહ્યું છે. જેથી હાલમાં જૂની ડ્રેનેજ લાઇનો બ્રેકીંગ થાય છે. આ ડ્રેનેજ લાઇનો પરનું ભારણ ઓછુ કરવાના ભાગરૂપે નાના ચિલોડાથી ઓઢવ રીંગ રોડ સુધીના રોડને સમાંતર મેઇન ટ્રન્ક લાઇન સાથે જોડતી નવી ડ્રેનેજ લાઇન નંખાશે અને એક્ષ્ટેન્શન કરાશે. તો, શહેરના ખાળકૂવા ધરાવતા આ વિસ્તારોમાં સર્વે કરી ડ્રેનેજ નેટવર્ક સુવિધા ઉભી કરાશે. તો, પૂર્વ વિસ્તારના ડ્રેનેજના પ્રશ્નને હલ કરવા અને આ વિસ્તારમાં જનરેટ થતાં સુએઝને પૂર્વ વિસ્તારમાં એસટીપી તૈયાર કરી તેના મારફતે આ જ વિસ્તારના ઔદ્યોગિક ગૃહોને રિસાઇક વોટરનો જથ્થો પૂૂરો પાડવાના ભાગરૂપે પૂર્વમાં નવું એસટીપી સ્થાપવાનું આયોજન કરાયું છે. પૂર્વના ઉપરોકત સમગ્ર પ્રોજેકટ માટે નવા બજેટમાં રૂ.દસ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ જ પ્રકારે શહેરના નવા પશ્ચિમ અને ઔડા વિસ્તારમાંથી પસાર થતી ગોતા-ગોધાવી કેનાલ ૧૬.૪૬ કિલોમીટરની લંબાઇ ધરાવે છે, જે પૈકી ૮.૪૬ કિલોમીટર કેનાલ અમ્યુકો હદ વિસ્તારમાં આવે છે. આ કેનાલ નેટવર્કને બોક્ષટાઇપ બંધ સ્ટ્રકચરથી ડેવલપ કરવાનું આયોજન ચાલી રહ્યું છે, જેનો અંદાજીત પ્રોજેકટ રૂ.૧૨૫ કરોડનો છે. બોક્ષટાઇપ સ્ટ્રકચર તૈયાર થતાં શહેરના નવા પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ઘણું ઉપયોગી સાબિત થશે. જેને ધ્યાને લઇ પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડ માટે સ્ટ્રોર્મ વોટર લાઇનનું નેટવર્ક ગોતા-ગોધાવી કેનાલને જોડતું તૈયાર કરવા માટે પ્રારંભિક  ધોરણે આ બજેટમાં રૂ.દસ કરોડની જોગવાઇ કરાઇ છે.

(9:33 pm IST)