Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર : વધુ ૩ના મૃત્યુ

સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વધીને ૫૦ થયો : સ્વાઈન ફ્લુથીગ્રસ્ત સેંકડો દર્દીઓ હજુય સારવાર હેઠળ સિઝનલ ફ્લુને રોકવાના તમામ પ્રયાસ છતાં કેસો વધ્યા

અમદાવાદ,તા. ૬ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા. ભરુચ, કચ્છ અને ભાવનગરમાં સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત એક-એક વ્યક્તિનું મોત થતાં મોતનો આંકડો વધીને ૫૦ ઉપર પહોંચી ગયો છે. હજુ પણ સેંકડો દર્દીઓ સારવાર હેઠળ અને કેટલાકની હાલત ગંભીર છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાં સ્વાઈન ફલુને રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં નવા વર્ષમાં સ્વાઇન ફ્લુના કેસોમાં ઉલ્લેખનીય વધારો થયો છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ગઇકાલે જ ૯૦૦ની નજીક પહોંચી ગઈ હતી. આજે આંકડો ૯૦૦થી ઉપર નિકળી ગયો હતો. સિઝનલ ફ્લુના કારણે અનેક દર્દીઓ સરકારીની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુના કારણે ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના મોત ૨૦૧૯માં દેશમાં ત્રીજા સૌથી વધુ થયા છે. આજે નવા કેસો સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને ૯૬૦થી વધુ પહોંચી ગઈ હતી. હજુ પણ ૩૦૦થી વધુ લોકો સારવાર હેઠળ હોવાના અહેવાલ મળી રહ્યા છે જે પૈકી અનેક હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં જ કેસોની સંખ્યા રેકોર્ડ સ્તર પહોંચી હતી. ફેબ્રુઆરી મહિનામાં પણ કેસો સતત વધી રહ્યા છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. આજે પણ વધુ ત્રણ લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૫૦ ઉપર પહોંચી ગયો હતો. આજે જે ત્રણ લોકોના મોત થયા હતા તે પૈકી ભરુચ, કચ્છ અને ભાવનગરમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. નવા વર્ષમાં મોતનો આંકડો રોકેટગતિએ વધતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.  અમદાવાદમાં સૌથી વધારે સ્વાઈન ફ્લુના કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. ઉપરાંત સુરત, વડોદરા, જુનાગઢ મનપામાં પણ કેસ સપાટી ઉપર આવ્યા છે. આ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યા રેકોર્ડ સપાટી ઉપર પહોંચી ચુકી છે. બિનસત્તાવારરીતે આંકડો ૯૬૦થી ઉપર છે. ૪૪૪થી વધુ દર્દીઓ પુરતી સારવાર લીધા બાદ સ્વસ્થ થઇને ઘરે જતાં રહ્યા છે જ્યારે આશરે ૩૦૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. સારવારના ગાળા દરમિયાન જ ૫૦ દર્દીઓના મોત થઇ ચુક્યા છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે તંત્ર તરફથી તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસો સપાટી પર આવે છે.

સ્વાઈન ફ્લૂનો આતંક...

અમદાવાદ, તા.૬ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે. દરરોજ નવા નવા લોકો સ્વાઈન ફ્લૂના સકંજામાં આવી રહ્યા છે. આજે વધુ ત્રણ લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મોત થતા ખળભળાટ મચી ગયો હતો.  કિલર બનેલા સ્વાઈન ફ્લુના કારણે લોકોમાં પણ દહેશત છે. નવા વર્ષમાં સ્વાઈન ફ્લૂનું ચિત્ર નીચે મુજબ છે.

સ્વાઈન ફ્લૂના કુલ કેસ........................ ૯૬૦થી વધુ

સ્વાઈન ફ્લૂથી મોત............................... ૫૦થી વધુ

સારવાર હેઠળ લોકો............................. ૩૦૦થી વધુ

સ્વસ્થ થયેલા લોકો.............................. ૪૪૪થી વધુ

૨૪ કલાકમાં મોત............................................. ૦૩

 

(8:23 pm IST)