Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

૨૦૨૫ સુધી અમદાવાદને સ્લમ ફ્રી સીટી કરવા તૈયારી

શહેરને ઝીરો સ્લમ સીટી તરીકે ડેવલપ કરાશે : શહેરમાં સૌપ્રથમવાર ફુટ ઓવરબ્રીજની સાથે એસ્કેલેટર ચાલી, ઝુંપડપટ્ટી માટે વર્ટિકલ ડેવલપેન્ટ પોલિસી તૈયાર

અમદાવાદ,તા.૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૧૯-૨૦ના સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજૂર કરાયેલા બજેટમાં આગામી ૨૦૨૫ સુધીમાં અમદાવાદ શહેરને સ્લમ ફ્રી સીટી બનાવવાનું આયોજન જાહેર કરાયું હતું. ૨૦૨૫ સુધીમાં અમદાવાદ શહેર ઝીરો સ્લમ સીટી ડેવલપમેન્ટ પોલિસી તૈયાર કરી તેની અમલવારની દિશામાં પ્રયાસો કરવામાં આવશે. આ અંગે મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના વિવિધ પ્લોટો કે ખાનગી માલિકીના પ્લોટો અને જગ્યાઓમાં તેમ જ સરકારની માલિકીના વિવિધ પ્લોટો કે જગ્યામાં આવેલી ચાલીઓ, ઝુંપડપટ્ટીઓ તથા સ્લમ કવાર્ટસ જેવા જૂના પુરાણાં મકાનોની જગ્યાએ વર્ટિકલ ડેવલપમેન્ટની સ્પેશ્યલ પોલિસી તૈયાર કરવામાં આવશે અને ડેવલપર્સને આ જગ્યાએ એફએસઆઇનો લાભ મળે તે પ્રકારે નવા આવાસો બનાવવા અંગેની અમલવારી કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, શહેરની આશરે ૨૫થી ૩૦ ટકા વસ્તી ચાલીઓ, સ્લમ કે ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરે છે. તેથી આ તમામ રહીશોને નવા અને વિવિધ આવાસ યોજનાઓ, એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ સહિતની યોજના અંર્તગત આવાસ ફાળવણી થાય તે માટેની દિશામાં પ્રયાસો હાથ ધરાશે.  વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં શાસક પક્ષ દ્વારા શહેરમાં કેટલાક નિયત જંકશન અને સ્થાન પર સૌપ્રથમવાર ચાલતા રાહદારીઓ ખાસ કરીને વૃધ્ધજનો અને સીનીયર સિટીઝન્સ માટે ફુટ ઓવરબ્રીજ વીથ એસ્કેલેટર બનાવવાની જાહેરાત કરાઇ છે. જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ સર્વે કરી નિયત જંકશન તેમ જ કેમ્પ હનુમાનજી મંદિર અને કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ફુટ ઓવરબ્રીજ વીથ એસ્કેલેટર પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે ઉભા કરવામાં આવશે. આ માટે બજેટમાં ખાસ રૂ.બે કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 

(8:19 pm IST)