Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

આણંદ નજીક લાંભવેલમાં શાળાના ચેરમેનને ફી ન ભરવા બાબતે વાલીની ધમકી

આણંદ:નજીક આવેલા લાંભવેલની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા એક આણંદના વિદ્યાર્થીના વાલી દ્વારા સ્કૂલમાં જઈને અભદ્ર વર્તન કરી ચેરમેન અને એમડીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર આણંદના પંચવટી મેરેજ પાર્કની પાછળ આવેલી અમરદીપ સોસાયટીમા રહેતા કશ્યપભાઈ ઉર્ફે ગોપાલભાઈ ગોરધનભાઈ પટેલનો પુત્ર લાંભવેલ ખાતે આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરી રહ્યો છે. તેની છેલ્લા બે વર્ષથી ફી બાકી પડતી હોય મેનેજમેન્ટ દ્વારા ફી ભરી દેવાનું જણાવ્યું હતુ. જેથી કશ્યપભાઈ ઉર્ફે ગોપાલભાઈ ગત ૨જી તારીખના રોજ સ્કૂલમાં ગયા હતા અને ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર સાથે ગેરવર્તન કરીને જાનથી મારી નાંખવાની ધમકી હતી. અને ફી નહીં ભરતા સ્કૂલ દ્વારા શું પગલાં ભરવામાં આવશે તે અંગે લેખિતમાં માંગણી કરી હતી. જે અંગે સ્કૂલના ચેરમેન દિક્ષીતભાઈ પટેલ દ્વારા આણંદ રૂરલ પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપીને રક્ષણ પુરુ પાડવાની માંગણી કરી હતી. 

(5:44 pm IST)