Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

કરમસદમાં ગ્રાહકના નામે બેંકમાંથી 25 તોલા દાગીનાની ઉઠાંતરી

આણંદ: નજીક આવેલા કરસમદની એસબીઆઈ બેંકમાંથી ગીરો મૂકેલા સોનાના અંદાજે ૨૦ થી ૨૫ તોલા દાગીના ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વિદ્યાનગર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, જો કે આ અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી. 

પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદની એસબીઆઈ બેંકમાં ગોલ્ડ પર લોનની સ્કીમ હેઠળ બે જેટલી મહિલાઓએ એકાદ વર્ષ પહેલાં પોતાના દાગીના મૂકીને લોનો લીધી હતી. બેંક દ્વારા જે તે સમયે તેમના દાગીનાની બે પોટલીઓ બનાવીને બેંકના લોકરમાં મૂકી દેવામાં આવ્યા હતા. દરમ્યાન બન્ને મહિલાઓએ લોનની ભરપાઈ કરી દીધી હતી અને પોતાના સોનાના દાગીનાની પરત માંગણી કરતા મળી આવ્યા નહોતા. જેથી બેંક સત્તાવાળા દ્વારા ગલ્લાતલ્લા કરવામાં આવી રહ્યા હતા. જેને લઈને તેઓએ વિદ્યાનગર પોલીસ મથકે જઈને જાણ કરતાં વિદ્યાનગર પોલીસ પણ બેકમાં ઘસી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. 

(5:44 pm IST)