Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

૧૪મીએ રાહુલ ગાંધી ગુજરાતમાં: ધરમપુર અને કિલ્લા પારડીથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે

૨૦૦૪માં સોનિયા ગાંધીએ પણ ધરમપુરથી કર્યો હતો પ્રચારનો પ્રારંભ

વાપી તા.૬: આગામી તા. ૧૪મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના રોજ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહયા છે. દક્ષિણ ગુજરાતમાં ધરમપુર અને કિલ્લા પારડી ખાતેથી રાહુલ ગાંધી ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેના પ્રચારનો પ્રારંભ કરાવશે. અત્રે નોંધનીય છે કે ૨૦૦૪માં સોનિયા ગાંધીએ પણ ધરમપુરથી જ ચંૂટણી પ્રચારનો આરંભ કરાવ્યો હતો.

અચાનક થયેલા આયોજનને પગલે કોંગ્રેસ પ્રમુખ તથા વિધાનસભાના વિપક્ષી નેતા સહિતના આગેવાનો દ્વારા એક બેઠક બોલાવાઇ અને આ કાર્યક્રમને પાર પાડવા કવાયત હાથ ધરી છે. લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહયા છે. ત્યારે દેશભરમાં રાજકીય માહોલ ગરમ થઇ રહયો છે. દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે રેલી અને સભાઓનો જાણે દોર શરૂ થયો છે.

ભાજપની સામે કોંગ્રેસ પણ ટક્કર આપવા આતુર બન્યું છે. ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ પણ હથિયાર સજાવી રહ્યું છે. કહેવાય છે કે, ભૂતકાળમાં ઇંદિરા ગાંધી દ્વારા પણ ધરમપુરથી જ પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

એટલું જ નહિ ૨૦૦૪ના વર્ષમાં દેશમાં જયારે ભારતની સરકાર હતી અને લોકસભાની ચૂંટણી આવી હતી એ વેળાએ સોનિયા ગાંધી દ્વારા શાઇનીંગ ઇંડિયા અને ફીલગુડના પ્રચારની સામે ધરમપુરથી જ લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અને તેને પગલે દેશમાં કોંગ્રેસની સરકાર બની હતી. અને આવી જ રીતે રાહુલ ગાંધી દ્વારા પણ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશનો પ્રારંભ ધરમપુર થી જ કરાશે. સામાન્ય રીતે એક એવી પણ માન્યતા છે કે વલસાડની બેઠક પર જીતનાર પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે.વલસાડ જિલ્લામાં આવતી વિધાનસભાની ગ્રામ્ય બેઠક હાલમાં કોંગ્રેસ પાસે છે જેથી વલસાડ બેઠક જીતવાની સાથે દેશમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

રાહુલ ગાંધીની ધરમપુર અને કિલ્લા પારડી ખાતેની આ સભામાં રાહુલ ગાંધી દ્વારા બુલેટ ટ્રેનના જમીન સંપાદનથી માંડી આદિવાસીઓ અને દલિતોના મુદ્દા પણ ઉઠાવવામાં આવશે એમ કહેવાય છે.

રાહુલ ગાંધીના આ કાર્યક્રમને પગલે કોંગી અગ્રણીઓ સહિત કાર્યકરો દોડતા થયા છે.

(3:36 pm IST)