Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

લગ્ન, રેલી, ધાર્મિક ઉત્સવોમાં હથિયારના દુરૂપયોગ પર નિયંત્રણ પ્રસંગોમાં 'સીન' જમાવવા ફટાકડીનો ઉપયોગ કરશો તો મુશ્કેલીમાં મુકાશો

ડીજીપીએ પરિપત્રનો કડક અમલ કરાવવા તમામ શહેર-જીલ્લાના પોલીસ વડાને આદેશ કર્યા

ગાંધીનગર તા. ૬: આર્મ્સ રૂલ્સ મુજબ જે વ્યકિતને હથિયાર પરવાના આપવામાં આવે છે તે પરવાના ઉપર અમુક નિયંત્રણો છે. જેમ કે જાહેર જગ્યાઓ, લગ્ન સમારંભો, મેળો અથવા કોઇપણ જાહેર બનાવના સ્થળોએ હથિયારો સાથે રાખવા કે ચલાવવા કે વિંઝવા નહિ. આમ છતાં પરવાનેદાર અને પરવાનાવગરના હથિયારો દ્વારા લોકોના જીવ ગુમાવવા, ગંભીર ઇજાઓ થવી કે મિલ્કતોને નુકસાન થવાની ઘટનાઓ બનતી રહે છે. આ ખુબ જ ગંભીર બાબત હોઇ રાજ્યના પોલીસ વડાએ એક પરિપત્ર બહાર પાડી કોઇપણ ઉજવણી સમયે હથિયારોનો ઉપયોગ થાય  તો કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે અને તમામ શહેર જીલ્લાના પોલીસ કમિશનર તથા પોલીસ વડાને પરિપત્રથી જાણ કરવામાં આવી છે.

ગૃહવિભાગે તમામ શહરે જીલ્લા પોલીસ વડાને પરિપત્ર પાઠવી જણાવ્યું છે કે જે વ્યકિતને હથિયારના પરવાના આપવામાં આવે છે તેના પર અમુક નિયંત્રણો છે. જેા કે જાહેર જગ્યાએ અથવા લગ્ન, જાહેર સભા, મેળો અથવા કોઇપણ જાહેર બનાવના સમયે હથીયારો ચલાવવા વગેરેનો સમાવેશ થાય છે. પરવાનાવાળા અથવા પરવાના વગરના હથીયારો દ્વારા જીવ ગુમાવવા ઇજા થવી સહિતના બનાવો બને છે. આ ખુબ જ ગંભીર બાબત છે.

હથિયારોના ગેરકાયદાકીય ઉપયોગના નિયંત્રણ બાબતે પોલીસે જરૂરી કાર્યવાહી કરવા સુચના અપાઇ છે. આર્મ્સ એકટનો ભંગ કરેલ હોય તો તેવા કેસમાં લાયસન્સ રદ્દ કરવા સુધીના કડક પગલા લેવામાં આવશે. રાજકોટમાં પણ આ પરિપત્રનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.

(3:35 pm IST)