Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ચૂંટણી ફરજમાં અડધો લાખ કર્મચારીઓ ઘટાડી શકાશે હવે VVPAT માટે અલગ કર્મચારી નહિ

નવા ઇ.વી.એમ.માં ડીસ્પ્લે યુનિટ ભેગુ જ જોડાઇ જતા તંત્રને રાહત : મતદાન મથક અંદર ફરજમાં કુલ ૪ કર્મચારીઓઃ કલેકટરોને તાલીમ શરૂ

ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ ખાતે તમામ જિલ્લા ચૂંટણી અધિકારી (કલેકટર) માટે યોજાયેલ તાલીમ વર્ગની તસ્વીર. ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શન માટે સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી જયદીપ દ્વિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત છે.

રાજકોટ, તા. ૬ :. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તડામાર તૈયારી આગળ વધારી છે. આજથી બે દિવસ અમદાવાદમા રાજ્યના તમામ કલેકટરો માટે આર.ઓ. સર્ટીફીકેશન પ્રોગ્રામનો પ્રારંભ થયો છે. આ તાલીમના અંતે કલેકટરોની પરીક્ષા લેવામાં આવશે. ચૂંટણી પંચે વીવીપેટ માટે અલગ કર્મચારી મુકવાની જોગવાઈ રદ્દ કરતા હવે ચૂંટણી વ્યવસ્થા ગોઠવવામાં તંત્રને રાહત થશે. ગુજરાતમાં ચૂંટણી ફરજ પર અડધો લાખ કર્મચારીઓ ઘટાડી શકાશે.

ઈવીએમ સાથે વેરીફાઈડ પેપર ઓડીટ ટ્રેલ રાખવાની જોગવાઈ આવી ત્યાર પછી આ વીવીપેટ દીઠ અલગ કર્મચારીને ફરજ સોંપવામાં આવતી. નવા મત મશીનમાં ડીસ્પ્લે યુનીટ સાથે જ જોડાઈ જતા હવે તે કર્મચારીની જરૂર રહેતી નથી. કંટ્રોલ યુનીટનો હવાલો સંભાળતા મતદાન અધિકારીએ જ વીવીપેટની દેખરેખ રાખવાની રહેશે. આ બાબતે રાજ્યના સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી જયદીપ દ્વિવેદીએ તમામ જિલ્લાઓમાં લેખીત સૂચના પત્ર મોકલી દીધો છે.

ગુજરાતમાં કુલ ૫૧૭૦૯ મતદાન મથકો છે. મતદાન મથક દીઠ રાખવાના થતા વીવીપેટ માટેના કર્મચારીની હવે જરૂર રહેશે નહી. મતદાન મથક પરની ફરજ પર એક એક કર્મચારી ઘટાડી શકાશે. મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર અને પોલીંગ ઓફિસર સહીત ૪નો સ્ટાફ રહેશે. તે જોતા ગુજરાતમાં મતદાન મથકોમાં બે લાખથી વધુ કર્મચારીઓને ફરજ સોંપાશે. ચૂંટણી બંદોબસ્ત અને અન્ય કામગીરી માટેના કર્મચારીઓની સંખ્યા અલગથી ઉમેરાશે.

(3:32 pm IST)