Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

આસારામના ફોટાને લઇને નવો જ વિવાદ સપાટી ઉપર

શહેરમાં લાગેલા વિવાદીત હોર્ડિંગ્સ ઉતારવા ફરજ : ૧૪મીએ માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવા આસારામ ટ્રસ્ટ દ્વારા પોસ્ટર લગાવાયા બાદથી નગરજનોમાં આક્રોશ

અમદાવાદ,તા.૫ : થોડા દિવસ અગાઉ ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આસારામની સંસ્થાને શુભેચ્છાઓનો પત્ર લખ્યો ત્યારે તેમને ઘણા જવાબો આપવાની પરિસ્થિતિ આવી ગઈ હતી કારણ કે તેમના પત્રથી ગંભીર વિવાદ વકર્યો હતો. આ વિવાદ હજુ શમે તે પહેલાં શહેરમાં આસારામના ફોટા સાથેના વિવિધ વિસ્તારોમાં લાગેલા વિશાળ હોર્ડિંગ્સનો એક નવો વિવાદ સામે આવ્યો છે. એએમટીએસ બસ સ્ટેન્ડ પર કોર્પોરેશને આસારામના પોસ્ટર્સ લગાવતા ભારે વિવાદ સર્જાયો છે. આગામી તા.૧૪મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ના દિવસે માતૃ-પિતૃ દિવસની ઉજવણી માટે આસારામ ટ્રસ્ટ દ્વારા પોસ્ટર્સ લગાવાયા, જેને લઇ હવે અમ્યુકો સત્તાવાળાઓ સામે નગરજનોમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. આસારામના ફોટા સાથેના હોર્ડિંગ્સને લઇ અમયુકો સત્તાવાળાઓ સામે પ્રજાજનોની આંગળીઓ અને સવાલો ઊભા થતાં આખરે કોર્પોરેશન સત્તાવાળાઓને આ હોર્ડિંગ્સ તાકીદે દૂર કરી ઉતારી લેવાની સૂચના આપવાની ફરજ પડી છે. જો કે, પ્રજાજનોમાં અને શહેરના જાગૃત નાગરિકોમાં એવા ગંભીર સવાલો અમ્યુકો સત્તાવાળાઓને પૂછાઇ રહ્યા છે કે, આવા બળાત્કાર સહિતના ગંભીર કેસોમાં સંડોવાયેલા આસારામના ફોટા સાથેના હોર્ડિંગ્સ મૂકતા પહેલાં અમ્યુકો સત્તાવાળાઓએ મંજૂરી આપી કેવી રીતે ? શું તેઓને અમદાવાદ શહેરની સંસ્કૃતિ અને ગરિમાની જાણકારી નથી..આવા તત્વોના ફોટા સાથેના હોર્ડિંગ્સ મારફતે અમ્યુકો સત્તાધીશો સમાજને ખાસ કરીને બાળકો અને યુવાનોને શું સંદેશો આપવા માંગે છે? આવા ગંભીર સવાલો ઉભા થતાં અમ્યુકો સત્તાધીશો બેકફુટ પર આવી ગયા હતા અને તાબડતોબ આ વિવાદીત હોર્ડિંગ્સ ઉતારી લેવાની સૂચના આપવાની ફરજ પડી હતી. આગામી તા.૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે છે. આ દિવસે આસારામના આશ્રમની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિએ માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે તેવું પોસ્ટર તૈયાર કર્યું અને અમદાવાદમાં ઠેરઠેર પોસ્ટર્સ લગાવવામાં આવતાં ઘણા લોકો બળાત્કારી બાબાના નામના પોસ્ટર્સ જોઈ ધૂંઆપૂંઆ થઈ ગયા હતા. પોસ્ટર્સ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ જતાં ભારે નારાજગીઓ જોવા મળી હતી. આ ઘટનાને કારણે સર્જાયેલા વિવાદને લઇ શહેરના મેયર બિજલબહેન પટેલે જણાવ્યું કે, કોઈપણ પ્રકારની મંજુરી આપવામાં આવી હોય ત્યારે નામજોગ તે લોકોએ દરખાસ્ત કરી ન હતી, પરંતુ હવે એએમસીના ધ્યાને આ બાબત આવી છે તેથી તેને ઉતારી લેવાની તજવીજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપના નેતા અને ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આસારામના આશ્રમને શુભેચ્છાઓનો સંદેશ આપ્યો હતો, જેને લઇ બહુ મોટો વિવાદ ઉઠયો હતો અને ચુડાસમાના કૃત્યની ભારે નિંદા થઇ હતી.

(10:13 pm IST)