Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

એસવીપી હોસ્પિટલનો ખર્ચ એક હજાર કરોડથી વધુ હશે

અદ્યતન હોસ્પિટલમાં નવા સાધનોની પ્રક્રિયા જારી : તાજેતરમાં વડાપ્રધાન મોદીએ આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું : સાધનોની હજુ બે-ત્રણ મહિનાઓ ખરીદી ચાલશે

અમદાવાદ,તા.૫ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત તા.૧૭ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેેલી સરદાર વલ્લભભાઇ પટેલ (એસવીપી) મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલને ખુલ્લી મુકાઇ હતી. આ હોસ્પિટલના નિર્માણ પાછળ અધધ નાણાં મ્યુનિસિપલ તિજોરીમાંથી અત્યાર સુધીમાં ખર્ચાયાં હોવા છતાં હજુ નવાં નવાં સાધનોની ખરીદી ચાલી રહી છે. એક અંદાજ પ્રમાણે તંત્રને સમગ્ર હોસ્પિટલ પાછળનો ખર્ચ રૂ.૧૦૦૦ કરોડથી વધુને આંબી જાય તેવી શકયતા છે. રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી યોજના હેઠળ નિર્માણ પામેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ લોકો માટે તા.૧૮ જાન્યુઆરી, ર૦૧૯થી ધમધમતી થઇ હતી, જોકે પ્રારંભના દિવસોમાં હોસ્પિટલમાં ઓપીડી પેશન્ટ પણ ગણ્યાગાંઠ્યા નોંધાતા હતા. પહેલા બે દિવસે માંડ ૩૭ ઓપીડી પેશન્ટ અને ત્રીજા દિવસે ૬૩ ઓપીડી પેશન્ટ થયા હતા, જોકે હવે ઓપીડી પેશન્ટ વધીને દૈનિક રપ૦ થયા હોવાનો તંત્રનો દાવો છે, જ્યારે ઇન્ડોર પેશન્ટ માટે ૩૦૦ જનરલ પથારીની વ્યવસ્થા પણ શરૂઆતના સમયગાળામાં તૈયાર કરાઇ ન હતી. જનરલ પથારીની વ્યવસ્થામાં પણ હાલમાં વધુ ઇન્ડોર પેશન્ટ ન હોઇ તમામ ૩૦૦ જનરલ પથારી સ્ટેન્ડ ટુ રખાઇ છે, પરંતુ દૈનિક દસથી બાર ઇન્ડોર પેશન્ટ જ હોય છે. જાણકાર સૂત્રો કહે છે, બે બેઝમેન્ટ તથા ૧૭ માળ અને ઉપરના ૧૮મા માળે ટેરેસ પર ઓડિટોરિયમ અને હેલિપેડ ધરાવતી એસવીપી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં તંત્ર દ્વારા ઉતાવળ કરાઇ હતી. ઉદ્ઘાટનના દિવસના ચાર મહિના પહેલાં હોસ્પિટલનું સિવિલ વર્ક ચાલતું હતું. આજે પણ હોસ્પિટલના કેટલાક માળમાં સુવ્યવસ્થિત ફર્નિચર ગોઠવાયું નથી એટલે તેને બંધ રાખવા પડે છે. બીજી તરફ એસવીપી હોસ્પિટલમાં કરોડો રૂપિયાની કિંમતનાં નવાં સાધનો વસાવાઇ રહ્યાં છે. તાજેતરમાં મળેલી કમિટીમાં પ્રતિ નંગ રૂ.૧૯,૯૩૬ના ભાવનાં ૧૬૬ પલ્સ ઓકસીમીટરને રૂ.૩૩.૧૦ લાખના ખર્ચે તેમજ રૂ.૭૦.૩૬ લાખના ખર્ચે એન્ડોસ્કોપી સિસ્ટમ સહિત રૂ.પ કરોડથી વધુનાં વિવિધ સાધન ખરીદવાની દરખાસ્ત તંત્ર દ્વારા મુકાઇ હતી જેને શાસકોએ મંજૂરીઆપી હતી. જાણકાર સૂત્રો કહે છે, એસવીપી હોસ્પિટલ કુલ ૧પ૦૦ પથારીની ક્ષમતા ધરાવતી હોઇ તેમાં હજુ બેથી ત્રણ મહિના સુધી કરોડો રૂપિયાની કિંમતનાં વિવિધ સાધનો ખરીદવાની દરખાસ્ત તંત્ર દ્વારા હોસ્પિટલ કમિટીમાં મુકાશે. આ કારણસર સમગ્ર હોસ્પિટલ આશરે રૂ.૧૦૦૦ કરોડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પડશે.

(10:22 pm IST)