Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

લોકોની સલામતી માટે કઠોર કાર્યવાહી કરાશે : પ્રદિપસિંહ જાડેજા

રાજ્ય સરકારની સમયસર અસરકારક કાર્યવાહીઃ સરખેજ-ગાંધીનગર હાઈવેની જય દ્વારકાધીશ હોટલ પર બનેલા બનાવ સંદર્ભે ચારેય પોલીસ કર્મીઓ ફરજ મોકૂફ

અમદાવાદ,તા. ૬, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ થકી કોઈ અડચણ ન આવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પોલીસ કર્મીઓ દ્વારા પણ નાગરિકોને કનડગત થાય તે સામે સુપેરે પગલા લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સરખેજ ગાંધીનગર હાઈવે પરની જય દ્વારકાધીશ હોટલ ખાતે જમવા બાબતે હોટલના કર્મચારીઓને પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવેલની ફરિયાદ મળતા આ ચારેય પોલીસ કર્મીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફ કર્યા છે. મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ્યારથી સત્તાના સુત્રો સંભાળ્યા ત્યારતી રાજ્યમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તથા નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સમયબદ્ધ આયોજન તથા સમયસરની કામગીરીના પરિણામે સફળતાઓ પણ મળી છે. જય દ્વારકાધીશ હોટલ ખાતે ૩૧મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સવારે બનેલ બનાવને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લઇને સત્વરે કડક કામગરી કરવા સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી અને ત્વરિત કામગીરીના પરિણામે આ કાર્યવાહી કરાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, જય દ્વારકાધીશ હોટલ ખાતે બનેલ બનાવમાં બોપલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બચાવતા ચાર પોલીસ કોન્સ્ટેબલોએ હોટલના કર્મચારીઓને માર માર્યો હતો તે સંદર્ભે હોટલના સીસીટીવીના રેકોર્ડિંગને ધ્યાને લઇ પોલીસ વિભાગે સમયસરની કામગીરી આરંભી હતી અને તેમની સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખળ કરાયો હતો. બીજી ફેબ્રુઆરીના રોજ આ  તમામ પોલીસ કર્મચારીઓને ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમદાવાદ દ્વારા ફરજ મોકૂફ કરાયા છે અને ગઇકાલે આ ચારેય પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(9:56 pm IST)