Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ભાજપ સરપંચ અભિનંદન કાર્યક્રમનો થયેલો ફિયાસ્કો

ભાજપની કમલમ ઓફિસ પર કાગડા ઉડયાઃ ૮૦ ટકા ગ્રામ પંચાયતો કબજે કરી હોવાના દાવા પોકળ

અમદાવાદ, તા. ૬,ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થતાં જ ભાજપે ૮૦ ટકા ગ્રામ પંચાયતો કબ્જો કરી હોવાના દાવા સાથે ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે વિજેતા સરપંચોનો સરપંચ અભિનંદન સમારોહ વિશેષ પ્રકારે આયોજિત કરવામાં આવ્યો હતો પરંતુ સૌથી આશ્ચર્ય અને ભાજપના આઘાત વચ્ચે એકપણ સરપંચ સમ ખાવા પૂરતોય ભાજપ કાર્યાલય પર ફરકયો ન હતો. ભાજપના સેંકડો કાર્યકરો અને સંખ્યાબંધ પ્રદેશ નેતાઓ, આગેવાનો અને મહાનુભાવો તો પહેલેથી જ કમલમ્ પર આવી પહોંચ્યા હતા અને હાર-તોરા, અભિવાદનની જોરદાર તૈયારીઓ કરી રાખી હતી એટલે સુધી કે, ભાજપ દ્વારા મીડિયાપર્સન્સને પણ આ સમારોહના કવરેજ માટે બોલાવી લેવાયા હતા. પરંતુ કોઇ સરપંચ ભાજપ કાર્યાલય ફર ફરકયા જ ન હતા, તેથી ભાજપના ૮૦ ટકા ગ્રામ પંચાયતો કબ્જે કરી હોવાના દાવા પર પાણી ફરી વળ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે, ભાજપના પ્રદેશ નેતાઓએ સમારોહની કંઇક અંશે લાજ બચાવવા ડ્રાઇવરો અને ત્યાં કામ કરતા કર્મચારીઓને જ ભાજપના વિજયી ખેસ પહેરાવી ડુપ્લીકેટ સરપંચો બતાવી વિવાદ ખાળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. છેવટે ગણ્યાગાંઠયા સરપંચ સિવાય અને ભરત પંડયા જેવા કેટલાક નેતાઓ સિવાય અન્ય કોઇ મોટા માથાઓ પણ ફરકયા ન હતા, જેના પરિણામે ભાજપના સરપંચ અભિનંદન સમારોહનો જોરદાર ફિયાસ્કો થઇ ગયો હતો.

(9:52 pm IST)