Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજયભરની પોલીસને અશોકકુમાર યાદવ અનોખી કંકોત્રી મોકલીઃ ૧ર જીલ્લાની પોલીસ હોંશે હોંશે પહોંચી પણ ગઇ છે

પપ૦ ચુનંદા પોલીસ ટીમ સાથે ૩૦૦ કુવિખ્યાત ગુન્હેગારોના ૧૦૦ જેટલા દારૂના અડ્ડાઓ ઉપર રેડ દરમિયાન અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નરને જે માહીતી મળી તે આધારે જાનમાં (રેઇડ)માં જોડાવવા ભાવભીના આમંત્રણ પાઠવાયા છે : રાજયભરના વોન્ટેડ ગુન્હેગારોને ઝડપવા માટે ગુજરાતના તમામ ઉચ્ચ અધિકારીઓને આપેલ આમંત્રણઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની પોલીસ તુર્તમાં પહોંચશે

રાજકોટ, તા., ૬: રાજયભરમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા કાયદામાં ધરખમ સુધારો કરવા છતાં અમદાવાદના પુર્વ વિસ્તારમાં દારૂબંધીની નીતીનો ખુલ્લેઆમ ભંગ કરી કુવિખ્યાત ગુન્હેગારો દ્વારા ધમધમી રહેલા દારૂના અડ્ડાઓ અંગેની માહીતી નવનિયુકત એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવને મળતા જ તેઓ ચોંકી ઉઠયા હતા. આ બાબતે કેટલાક સ્ટાફને ખાનગીમાં પુછપરછ કરતા 'સાહેબ આમાં પડવા જેવું નથી, આ બધુ તો વર્ષોથી ચાલે છે'

આણંદમાં એક ડઝન જેટલા કસાઇઓને પાસામાં સુરતના હાલના કલેકટર મહેન્દ્રભાઇ પટેલની સહાયથી પાસામાં ધકેલી દેનાર અશોકકુમાર યાદવને પોલીસના આ ગોખેલા સંવાદ બાદ હવે તો આ અડ્ડાઓ ઉપર ત્રાટકવું જ છે તેવો નિર્ણય કર્યો. આ નિર્ણયના અમલ માટે ૫૫૦ થી વધુ પોલીસ સ્ટાફની ટીમ બનાવી અને ૩૦૦ જેટલા કુવિખ્યાત ગુન્હેગારો દ્વારા ધમધમતા ૧૦૦ થી વધુ દારૂના અડ્ડાઓ પર ત્રાટકી તમામની આગવી ઢબે પુછપરછ કરતા ગુજરાતભરમાં ગુન્હા કરી નાસી છુટેલાઓ અંગે ચોક્કસ માહીતી મળતા જ તેઓએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો.  અશોકકુમાર યાદવે ગુજરાતના તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓ, એસપીઓ અને અમદાવાદ પોલીસ દ્વારા જે ઝુ઼ંબેશ શરૂ થઇ છે તેમાં જોડાઇ સ્થાનીક પોલીસની મદદથી તેઓના વોન્ટેડ ગુન્હેગારોને પકડવા માટે આવવા આમંત્રણ પાઠવ્યું. આ નવતર કંકોત્રીનું માન રાખી અત્યાર સુધીમાં સંખ્યાબંધ જીલ્લાના પોલીસ સ્ટાફ ક્રાઇમ બ્રાન્ચ સાથે અમદાવાદ પહોંચી ગયા છે.

આ અંગે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં અશોકકુમાર યાદવે જણાવ્યું કે, હવે હાલમાં સુરત, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા રેન્જની મળી કુલ ૧૨ જીલ્લાની પોલીસ અમદાવાદ પહોંચી છે. ટુંક સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની પોલીસની ટીમ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા સ્ટાફ સાથે અમદાવાદ આવનાર છે. તેઓએ સમગ્ર કાર્યવાહી માટે નોડલ ઓફીસર તરીકે એડીશ્નલ ડીસીપી રાજેશ ગઢીયાને કામગીરી સુપ્રત કર્યાનું પણ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવ્યું હતું.

(3:36 pm IST)