Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

બર્ડ ફ્લૂ : અ'વાદ જિલ્લામાંથી ૨૫૦ સેમ્પલ લેવામાં આવ્યા

બર્ડ ફ્લૂની દહેશતના પગલે તંત્ર સતર્ક : બર્ડ ફલૂ પહેલા પણ સામાન્ય દિવસોમાં સેમ્પલ લેવામાં આવતા હોય છે,બર્ડ ફ્લૂને લઇ કામગીરી શરૂ કરી દેવાઈ

અમદાવાદ,તા.૬ : બર્ડ ફલૂ ગુજરાત બહારના રાજ્યોમાં જોવા મળ્યો છે. જેના કારણે પક્ષીઓના મૃત્યુ થઈ રહ્યા છે. જોકે ગુજરાતમાં પણ બહારથી પક્ષીઓ આવતા હોય છે. જેને લઈ પશુપાલન વિભાગ સતર્ક થયું છે. અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે બર્ડ ફલૂ પહેલા પણ સામાન્ય દિવસોમાં પણ સેમ્પલ લેવામાં આવતા હોય છે. પરંતુ બર્ડ ફ્લુને લઇ પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેકટ સુકેતુ ઉપાધ્યાયએ વાત કરતા જણાવ્યું હતું કે પશુપાલન વિભાગ સતત કામગીરી છે તે કરતું હોય છે.અને સામાન્ય દિવસોમાં પણ સેમ્પલ લેવામાં આવતા હોય છે.

              જેના કારણે પક્ષીઓમાં કોઈ બીમારી કે રોગ છે કે નહીં તેની માહિતી મળે. પરંતુ બહારના રાજ્યોમાં બર્ડ ફલૂ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ પક્ષીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. નળ સરોવર અને ઝુમાંથી પક્ષીઓના સેમ્પલ લેવાયા. ૨૫૦ જેટલા સેમ્પલ લેબમાં મોકલ્યા છે. પશુ ચિકિત્સા લઈ ના અધિકારીઓને સૂચના અપવમાં આવી છે. પશુ મૃત્યુ થયેલ જોવા મળે તો તાત્કાલિક જાણ કરે.તેમજ સર્વેલન્સ ની કામગીરી ચાલી રહી છે. બર્ડ ફલૂ વાયરસથી થતો રોગ છે. પક્ષીઓ ઓચિંતા મૃત્યુ પ્રમાણ વધી જાય છે. ઈંડાનું પ્રમાણ ઘટી જાય છે. પગનો કલર બદલાય જાય છે. બર્ડ ફ્લૂના લક્ષણો છે. એટલે આવા કોઈ લક્ષણો પક્ષીઓમાં જોવા મળે તો નજીકના પશુ આરોગ્ય કેન્દ્ર પર જાણ કરવા માટે સૂચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં જયપુર અને ઝાલાવાડ વિસ્તારમાં બર્ડફ્લૂનો આતંક જોવા મળી રહ્યો છે. જેના પગલે અનેક કાગડાઓના મોત થઈ રહ્યા છે. સ્થાનિક તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દીધું છે.

(8:34 pm IST)