Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૬૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે મોનો રેલ તૈયાર થશે

અમદાવાદથી ધોલેરા સુધી દોડશે : પ્રસ્તાવિત સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ હબ ધોલેરા અને ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદને એકબીજાની સાથે જોડી દેવાશે

ગાંધીનગર,તા.૬ : ગુજરાતમાં ઉભરી રહેલા ધોલેરા સ્માર્ટ સિટી અને અમદાવાદ વચ્ચે મોનો રેલ પ્રોજેક્ટને મંજૂરી મળવામાં ખાસ્સું મોડું થયા બાદ આખરે પ્રોજેક્ટે સરકારે લીલી ઝંડી આપી દીધી છે. જેનાથી અમદાવાદ શહેર અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન વચ્ચે મોનો રેલ દોડાવવાની કામગીરીની શરુઆત થશે. રાજ્ય સરકારે આ માટેના રુ. ૬૦૦૦ કરોડના માસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમના ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂર કર્યો છે. જે પ્લાન્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ હબ ધોલેરા અને ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદને એકબીજા સાથે જોડશે. કેન્દ્ર સરકારના દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર અંતર્ગત ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે નાણાંકીય અને ટેક્નિકલ આસિસ્ટન્સ માટેની મંજૂરી મેળવી લીધી છે.

             આ પ્રોજેક્ટને તેની કામગીરી શરુ થયાના ૨૪થી ૩૬ મહિનામાં પૂરો કરવાની આશા દર્શાવવામાં આવી છે. આ પ્રોજક્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે, મોનો રેલ માટેનો રૂટ, અલાઇન્મેન્ટ, સ્ટેશન પ્લાન અને ટેક્નિકલ તેમજ નાણાંકીય પ્રપોઝલને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી મંજૂરી મળી ગઈ છે. સૂત્રોએ ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી ગયા બાદ આ એમઆરટીસી પ્રોજેક્ટને ડીએમઆઈસી માટે જેઆઈસીએ (જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી)ના પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રોએ કહ્યું કે મોનો રેલ પ્રોજેક્ટ માટેની જરુરી જમીન સંપાદનની કામગારી નેશનલ હાઇવે ઓથોરિટીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ સાથે સાથે જ પૂર્ણ કરવામાં આવી છે. મોનો રેલ માટે એક્સ્પ્રેસ વેની સાથે સાથે એલિવેટેડ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. પ્લાન મુજબ આ રૂટ પર ૭ સ્ટેશન પ્લાન કરવામાં આવ્યા છે જે પૈકી ૬ એલિવેટેડ રહેશે જ્યારે એક ધોલેરા ખાતેનું સ્ટેશન જમીન પર રહેશે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, 'મોનો રેલ પ્રોજેક્ટનું કામ આગામી ૨-૩ મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે નક્કી કરીને એક્સપ્રેસ વેના કામની સાથે સાથે જ શરું કરવામાં આવશે અને જેને શરું કર્યાના ૨૪થી ૩૬ મહિનાની અંદર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે.

(8:33 pm IST)