Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૨૪૩૬ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ભરત સોનીની ધરપકડ

સેન્ટ્રલ જીએસટી ટીમનો જોરદાર સપાટો : સેન્ટ્રલ જીએસટીની ટીમે ન્યૂ રાણીપમાં દરોડા પાડી શુકન સ્માઇલ સિટીમાં રહેતા જ્વેલર્સ ભરત સોનીને ઝડપ્યો

અમદાવાદ, તા. ૬ : સેન્ટ્રલ જીએસટીની ટીમે અમદાવાદમાં જ્વેલર પર સપાટો બોલાવતા રૂ. ૨૪૩૫.૯૬ કરોડનું બોગસ જીએસટી બિલિંગનું કૌભાંડ પકડ્યું છે. સેન્ટ્રલ જીએસટીની ટીમે ન્યૂ રાણીપમાં દરોડા પાડ્યા હતા જેમાં શુકન સ્માઇલ સિટીમાં રહેતા જ્વેલર ભરત સોનીની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાયું છે.

ભરત સોની દ્વારા સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. બોગસ જીએસટી બિલોનું સુનિયોજીત કાવતરું રચીને કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

પરિવારના નામે ૬ અલગ અલગ કંપનીઓ બનાવી કૌભાંડ કરવામાં આવ્યું હતું. જેમાં પુત્ર, પુત્રવધુ, સાળાના નામે ટ્રેડિંગ ફર્મ સ્થાપી હતી. ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્કા જ્વેલર્સ, દીપ જ્વેલર્સ એન.એસ. એન્ટરપ્રાઇઝ, એસ.એ. ઓર્નામેન્ટ્સ નામની ફર્મ શરૂ કરી ખોટા બિલો બનાવી કરોડોના ખોટા વ્યવહારો દર્શાવીને ક્રેડિટ મેળવવામાં આવી હતી. બી-૨ જેમ્સ નામે પણ ટ્રેડિંગ ફર્મ શરૂ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગોત મુજબ જીએસટીના ખોટા ૨૪૩૫.૯૬ની કિંમતના બિલો દ્વારા રૂ. ૭૨.૨૫ કરોડની ક્રેડિટ મેળવી, ખરીદદારોના નામે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. સેન્ટ્રલ જીએસટી ટીમે દરોડો પાડીને ભરત સોનીને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસની જ્યુડિશ્યલ કસ્ટડી મેળવવામાં આવી છે.

આ બોગસ જીએસટી કૌભાંડમાં હજુ વધુ મોટા માથા સંડોવાયા હોવાની સંભાવના છે તેમજ સૂત્રોના મતે આ કૌભાંડ રૂ. ૭,૨૫૦ કરોડ સુધી જાય તેવી શંકા છે તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ રૂ. ૨૧૦ કરોડની ચોરી સામે આવવાની પ્રબળ શક્યતા રહેલી છે.

(8:35 pm IST)