Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે પર લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરનાર વધુ બે મુસાફરોને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર:શહેર નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર લકઝરી બસમાં દારૃની હેરાફેરીનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે અને ચિલોડા પોલીસે વાહનચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી વધુ બે મુસાફરોને વિદેશી દારૃના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. રાજકોટના આ મુસાફરો દારૃ કયાંથી લાવ્યા હતા અને કયાં લઈ જવાના હતા તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.  

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરોના વાહનો ઝડપી લઈ દારૃ કબ્જે કરવામાં આવતાં હવે રાજસ્થાનથી ખેપિયાઓ મારફતે ખાનગી લકઝરી કે સરકારી બસમાં દારૃની હેરાફેરીના કિસ્સા વધી ગયા છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર પોલીસ દ્વારા અવારનવાર વાહનચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી આવા મુસાફરોને પકડવામાં આવી રહયા છે જેમની પાસેથી દારૃનો જથ્થો મળી પણ રહયો છે ત્યારે ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન હિંમતનગર તરફથી આવતાં એક લકઝરી બસને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતાં ચાર થેલામાંથી વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૃની ૬૬ બોટલ સાથે મુસાફર આરીફ રઝાકભાઈ શેખ રહે.લુખડીયા પરા રાજકોટને ઝડપી લીધો હતો. ર૮૯૭૦નો દારૃ કબ્જે કરવામાં આવ્યો હતો તો આજ બસમાં અન્ય એક મુસાફર શબ્બીરભાઈ રફીકભાઈ શેખ રહે.ચામડીયા સંધીનો ડેલો રાજકોટના થેલામાંથી પણ વિદેશી દારૃની ૧ર બોટલ મળી આવી હતી. પોલીસે આ બન્ને શખ્સોની ધરપકડ કરીને દારૃ કયાંથી લાવ્યા હતા અને કયાં લઈ જવાના હતા તે જાણવા માટે તપાસ શરૃ કરી છે.

(6:05 pm IST)