Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વડોદરા નજીક ભાયલીમાં સ્નેપડિલના કર્મચારીની ઓળખ આપી ત્રણ ભેજાબાજોએ 1 લાખની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

વડોદરા: નજીક ભાયલી ખાતે આવેલા ગોકળપુરા ગામમાં રહેતા અશ્વિની બેન રાણા બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિના દરમિયાન તેમના મોબાઈલ ફોન પર નીતીશ કુમાર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ સ્નેપડીલ કંપનીના કર્મચારી તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે તમે સ્નેપડીલ કંપનીમાંથી કોસ્મેટિક વસ્તુઓની ખરીદી કરો છો એટલે તમારૂ લકી ડ્રોમા નામ આવ્યું છે અને તમે બીજા નંબરના વિજેતા છો. કંપનીના નિયમ મુજબ બીજા નંબરના વિજેતાને રોકડ રકમ 8.20 લાખ અથવા ફોરચુનર કાર આપવામાં આવે છે. જેથી મહિલાએ રોકડ રકમ મેળવવા ઉત્સુકતા દર્શાવી હતી. 

ત્યારબાદ ત્રણેવ ભેજાબાજોએ મહિલાને વારાફરતી ફોન કરી વિવિધ સ્કીમો આપી જણાવ્યું હતું કે, લકી ડ્રોના કાર્ડ ઉપર નામ લખવા પેટે 2150, કારના બદલામાં રોકડ રકમ મેળવવા 7300, ફાઈલ આગળ મોકલવા માટે 16400, જીએસટી ટેક્સ પેટે 4200, સેન્ટ્રલ ટેક્સ માટે 12400નો, ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટે રૂ. 19300, ઇન્કમટેક્સના રૂપિયા 18,200 ભરપાઈ કરવા જણાવતા.

ઇન્કમટેક્સના રૂપિયા ની ચુકવણી સમયે મહિલાએ પ્રતિકાર કરતા આલોક કુમારે જણાવ્યું હતું કે, જો આ રકમ નહીં ભરતો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ પડશે. જેથી મહિલાએ ગભરાઈને આ રકમ પણ ચૂકતે કરી હતી. વધુમાં બાકી હોય તેમ ભેજાબાજોએ જણાવ્યું હતું કે, રકમ તમારા ખાતામાં આવી ગઈ છે પરંતુ 8.20 લાખ જેટલી મોટી રકમ હોવાથી તમારા ખાતામાં શો નહીં થાય જેથી બેંકમાં વધુ રૂ 20,000 ભર્યા હતા. આમ આલોકકુમાર, નીતિનકુમાર અને અમિત કુમાર નામના ત્રણ ભેજાબાજોએ મહિલા પાસેથી 99,950ની માતબર રકમ પડાવી લીધી હતી.

(6:02 pm IST)