Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ભારત સરકાર દ્વારા કોવિડ વેક્સીન દેશભરમાં અપાનાર હોઈ તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ડ્રાય રન મોકડ્રીલ યોજાઇ

સરકારની ગાઇડલાઇન પ્રમાણે ડ્રાય રન/ મોકડ્રીલનું આયોજન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રવર્તમાન કોરોના મહામારીનેને કારણે આજે રાજપીપળાની જૂની સિવીલ હોસ્પિટલ ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી. પટેલ,સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એ.કે.સુમન સહિતની તબીબી ટુકડીઓની  ઉપસ્થિતિમાં ૨૫ જેટલાં આરોગ્ય કર્મીઓનું કોવીડ વેક્સીનેશન અંતર્ગત ડ્રાય રન/ મોકડ્રીલ યોજાઇ હતી. તેવી જ રીતે અર્બન હેલ્થ સેન્ટર ટેકરા ફળિયા ખાતે ૨૫, ક્રિસ્ટલ સ્કુલ ખાતે ૨૫ અને નાંદોદના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૫ સહિત જિલ્લાના કુલ ૧૦૦ જેટલાં  આરોગ્યકર્મીઓએ આજે ડ્રાય રન/ મોકડ્રીલમાં ભાગ લીધો હતો.
  આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી. પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત સરકાર દ્વારા  ટૂંક સમયમાં કોવિડ વેક્સીન સમગ્ર દેશમાં અપાનાર હોઇ તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સરકારની ગાઇડલાઇન પ્રમાણે ડ્રાય રન/ મોકડ્રીલનું આયોજન કરાયું છે. જેમાં કોવિડ-૧૯ ને ધ્યાનમાં રાખીને ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ જે કોઇ લાભાર્થીઓને SMS દ્વારા જાણ કરવામાં આવશે તેમણે ચોક્કસ  સમયે, ચોક્કસ સ્થળે આવી જવાનું રહેશે.વેક્સીનેશનનાં લાભાર્થીઓને  કોવિડની ગાઇડલાઇન પ્રમાણે સેનિટાઇઝેશન,માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કર્યા બાદ તેમને વેઇટીંગ રૂમમાં બેસાડવામાં આવશે અને વેક્સીન રૂમમાં વેક્સીન આપ્યા બાદ અંતમાં નિરીક્ષણ રૂમમાં ૩૦ મિનિટ  સુધી રાખવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વેક્સીનેશન કર્યા બાદ કોઇ લાભાર્થીને  કોઇ પણ પ્રકારની મુશ્કેલી જણાશે તો તેમના માટે અલગ કિટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને તાત્કાલિક તેમની સ્થળ પર જ સારવાર કરવામાં આવશે. આ સમગ્ર અભિયાનમાં  વેક્સીન કઇ રીતે અપાય  તેની જાણ લોકોને પણ  થાય તેમ તેમણે જણાવ્યું હતું

(9:31 am IST)