Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને કારણે ગુજરાતનું બજેટ માર્ચમાં રજુ કરાશે

ફેબ્રુઆરીના છેલ્લા ૧૦ દિવસમાં બે તબક્કે મતદાન થશેઃ ૨૧ ફેબ્રુઆરીએ ૬ મ્યુ. કોર્પોરેશન અને ૨૮મીએ પંચાયત -પાલિકામાં મતદાન

અમદાવાદ,તા. ૬: સામન્યતઃ ૧લી એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ માટે દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહના આરંભે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરે છે અને ૩૧ માર્ચ પહેલા તેની મંજૂરી મેળવે છે. જો કે આ વર્ષે ગુજરાતના ૮૦ ટકા ભૂ-ભાગ ઉપર સ્થાનિક ફેબ્રુઆરીના છેલ્લા ૧૦ દિવસમાં સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી માટે બે તબક્કે મતદાન યોજાવાનું હોવાથી વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ માર્ચ મહિનામાં રજૂ થાય તો નવાઇ નહીં. વિધાનસભામાં વિતેલા દોઢ -બે દાયકામાં કયારેય માર્ચ મહિનામાં બજેટ રજૂ થયું નથી.આ વખતે કોરોનાને કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ત્રણ મહિના વિલંબથી ફેબ્રુઆરીમાં યોજાનાર છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ માર્ચ મહિનામાં રજુ થઇ શકે તેમ છે. સામાન્ય વહીવટ વિભાગમાંથી મળતી માહિતી મુજબ છ મ્યુ. કોર્પોરેશનમાં સંભવત : ૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. ૩૧ જિલ્લા અને ૨૩૧ તાલુકા પંચાયત તેમજ ૬૩ નગરપાલિકાઓમાં ૨૮ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.

વિધાનસભા-૨૦૨૨નો લિટમસ ટેસ્ટ, ૪.૧૧ કરોડથી વધુ મતદારો

મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ મુજબ છ મ્યુ. કોર્પોરેશનમાં ૧,૧૨,૩૪,૩૭૩ મતદારો નોંધાયા છે. ૬૩ નગરપાલિકામાં ૪૮,૧૯,૨૮૧ને મતાધિકાર મળ્યો છે. જ્યારે ૩૧ જિલ્લા અને ૨૩૧ તાલુકા પંચાયતોના ૨,૫૦,૮૩,૩૦૨ મળી વિધાનસભા -૨૦૨૨ના લિટમસ ટેસ્ટ તરીકે જોવાતી આ ચૂંટણીમાં ૪ કરોડ ૧૧ લાખ ૩૬ હજાર ૯૫૭ને મતાધિકાર મળશે.

(1:35 pm IST)