Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

લૂંટની ઘટનાથી જવેલર્સ એસો, હચમચ્યું :સીજી રોડની ફૂટપાથ પરની તૈયાર બેઠક વ્યવસ્થા બદલવા રજૂઆત

શોરૂમના રસ્તા પરના પાથરણા,લારી-ગલ્લા અને ચાની કીટલીએ ઉભા રહી રેકી કરી શકે

અમદાવાદ : લૂંટની ઘટનાથી હચમચી ગયેલા અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનએ સેકટર-1ના એડિશનલ કમિશનર રાજેન્દ્ર અસારીને રૂબરૂ મળીને જ્વેલર્સ શો રૂમ અને શોપ હોય તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા રજુઆત કરી હતી.

 આ ઉપરાંત આરોપીઓ જ્વેલર્સ શોપ અને શો રૂમના રસ્તાઓ પર આવેલા પાથરણા, લારી-ગલ્લા અને ચાની લારીઓ પર ઉભા રહી આસાનીથી રેકી કરી શકે છે. આ ઉપરાંત સીંજી રોડ પર કોર્પોરેશન દ્વારા નવી ડિઝાઈનમાં ફુટપાથ પર તૈયાર કરેલી બેઠક વ્યવસ્થા પણ સુરક્ષાને લઈ બદલવા રજુઆત થઈ હતી.

અમદાવાદ જ્વેલર્સ એસોસીએશનના પ્રમુખ જીગર સોની અને સેક્રેટરી નિશાંત સોની સહિતના સભ્યોએ સેકટર 1ના એડી.સી.પી. રાજેન્દ્ર અસારીને મળી લેખિત રજુઆત કરી હતી. જે મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા વેપારી જેવા કે રિટેઇલ જ્વેલર્સ, હોલસેલ જ્વેલર્સ અને કારીગરો પર અસામાજીક તત્વો દ્વારા લૂંટ અને હિંસક હુમલા થવાના બનાવો વધી રહ્યા છે. જેને લઈ વેપારીઓમાં ડરનો માહોલ છે.

જ્વેલર્સ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ શક્ય તેટલી સુરક્ષા જળવાય તેવી કામગીરી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવે તે જરૂરી હોવાની રજુઆત થઈ હતી.જવેલર્સ વિસ્તારના દબાણો જેવા કે, ફૂટપાથ પરથી પાથરણાં વાળા તેમજ અન્ય દબાણો દુર કરી શક્ય તેટલી સુરક્ષા વધારવી, સી.જી. રોડ ખાતે AMC દ્વારા નવી રોડ ડિઝાઈનમાં જે ક્ષતિ છે તે બદલવા રજુઆત થઈ હતી. આ અંગે પોલીસ અધિકારીઓએ તેઓ બનતી કોશિશ કરી જવેલર્સ વેપારીઓને મદદરૂપ થશે તેવી બાહેધરી આપી હતી.

 નવરંગપુરા પોલીસ સ્ટેશન પીઆઈ આર.જે.ચુડાસમા ને પણ જ્વેલર્સ એસોસીએશનના સભ્યોએ રજુઆત કરી હતી. તેઓએ પણ પેટ્રોલિંગ વધારવા બાંહેધરી આપી છે. પોલીસ અધિકારીઓને માર્ગદર્શિકા અંગે રજુઆત કરતા તેઓએ માર્ગદર્શિકા ટૂંક જ સમયમાં બહાર પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.

(8:52 pm IST)