Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

CBSE દ્વારા ફીમાં ૧૦થી ૧૫ ટકાનો ધરખમ વધારો

નવી દિલ્હી તા. ૬ : ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા સમય પહેલાં શાળાઓની ફી નિયમન મુદ્દે ચૂકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવીને ફી વસૂલી શકશે નહીં. આ કાયદાને લઈને સરકાર દ્વારા પણ સકારાત્મકતા દર્શાવવામાં આવી હતી અને સરકારે હાઈકોર્ટના આ નિર્ણયને આવકારો આપ્યો હતો. પરંતુ આમ છતાં સીબીએસઈ દ્વારા શાળાની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

સીબીએસઈ દ્વારા શૈક્ષણીક સત્ર ૨૦૧૮-૧૯ માટે ફીના માળખાની જાહેરાત કરવામાં આવી છે. હાઈકોર્ટનો આદેશ હોવા છતાં સીબીએસઈ દ્વારા ફીમાં ૧૦ થી ૧૫ ટકાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે નવા શૈક્ષણિક સત્રમાં વાલીઓને ૧૮ હજારથી લઈને ૪૧ હજાર રૂપીયા સુધીની ફી શાળામાં ભરવી પડશે. મહત્વનું છે કે સીબીએસઈ દ્વારા ફી અંગેનું જે માળખું તૈયાર કરવામાં આવ્યું છે તેમાં એફઆરસીની મંજૂરી પણ લેવામાં આવી નથી. હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવા છતા પણ સીબીએસઈ દ્વારા કરાયેલા ધરખમ ફી વધારાને લઈને વાલીઓ ચોક્કસ મુશ્કેલીમાં મુકાશે તે વાત સત્ય છે.

મહત્વનું છે હાઈકોર્ટના આદેશ બાદ કેટલાક વાલી મંડળોએ પોતાનો વિરોધ વ્યકત કરતા જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા ફીના માળખા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે વાલી મંડળો દ્વારા માંગણી કરાઈ હતી કે હાઈકોર્ટ દ્વારા ફીના માળખાને લઈને યોગ્ય નિર્ણય આપવામાં આવે. ત્યારે સીબીએસઈ દ્વારા જે ફી વધારો કરાયો છે તેને લઈને પણ વાલીઓનો અસંતોષ વધશે તે વાત ચોક્કસ છે.

(10:45 am IST)