Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

હાર્દિક સહિત આંદોલનકારી સ્વાર્થની રાજનીતિ જ રમે છે

પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા હાર્દિક પર પ્રહારઃ સુપ્રીમના સિનિયર કાઉન્સિલ હરીશ સાલ્વેના અભિપ્રાય મુજબ હાલ બંધારણ હેઠળ અનામત મળી શકે તેમ નથી

અમદાવાદ, તા.૫, કોંગ્રેસે ગઇકાલે તેના ચૂંટણી ઢંઢેરામાં હાર્દિક પટેલ આણિમંડળી વતી પાટીદારોની અનામતની માંગ સમાવી તેની જાહેરાત કરાતાં આજે પાટીદાર સમાજની ખોડલધામ, કાગવડ, ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા સહિતની સંસ્થાઓના આગેવાનો ફરી એક મંચ પર આવ્યા હતા અને હાર્દિક પટેલ આણિમંડળી અને કોંગ્રેસના આ પ્રયાસનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પાટીદાર સમાજની આ સંસ્થાઓના આગેવાનોએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે અનામત મુદ્દે સુપ્રીમકોર્ટના સિનિયર કાઉન્સેલ હરીશ સાલ્વે પાસેથી અભિપ્રાય મેળવ્યો છે અને તેમના મતે, બંધારણીય રીતે ૫૦ ટકાથી વધુ અનામત આપી શકાતી નથી. તેમછતાં આ જોગવાઇને અવગણીને ખોટી જાહેરાતો કરી સમગ્ર પાટીદાર સમાજને ગુમરાહ કરવા હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલા શેકવાનું રાજકારણ રમી રહ્યા છે. પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનો આર.પી.પટેલ, સી.કે.પટેલ, ખોડલધામના ઉપમહામંત્રી હંસરાજ ગજેરા સહિતના આગેવાનોએ જણાવ્યું કે, કોંગ્રેસ અને હાર્દિક પટેલ આણિમંડળી અનામતના મુદ્દે સમગ્ર પાટીદાર સમાજને ગુમરાહ કરી રહી છે. ગુજરાત સરકારે પાટીદાર સમાજની માંગણીઓ સ્વીકારી લીધા પછી હવે આંદોલનની કોઇ વાત રહેતી નથી. અલબત્ત, પાટીદારોને ઓબીસીમાં સમાવવાની મૂળ માંગણી હજુ યથાવત્ છે પરંતુ હવે અનામતને લઇ કોઇ રાજકીય પક્ષમાં જોડાઇ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલો શેકવા સમાજને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય સાંખી શકાય તેમ નથી. હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓ અનામતના મૂળ મુદ્દાથી ભટકી હવે અંગત સ્વાર્થનું રાજકારણ રમી રહ્યા છે. હવે ટિકિટોની માંગણી અને સમાજમાં તોડફોડ કરવાનો તેમનો ઉદ્દેશ સામે આવી રહ્યો છે.

હાર્દિક પટેલની કથિત અશ્લીલ સીડીને લઇને પાટીદાર સમાજ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયો છે કે કેમ તે અંગેના પ્રત્યુત્તરમાં સમાજના આ આગેવાનોએ નિખાલસપણે સ્વીકાર કર્યો હતો કે, હાર્દિક પટેલના સીડીકાંડને પગલે પાટીદાર સમાજ નિશંકપણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયો છે અને પાટીદાર સમાજની છબીને અસર પહોંચી છે. આ કૃત્ય ગંભીર અને શરમજનક છે.

 

(10:11 pm IST)