Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

રાહુલના પ્રચારની સાથે સાથે: રાહુલે જુદા જુદા વિષયો ઉપર વાત કરી

હજુ ઘણા મુદ્દાઓ છે, જે જનતામાં ઉજાગર થશે

અમદાવાદ, તા.૫, રાહુલ ગાંધીએ તેમના પ્રવચન દરમ્યાન રાફેલ ડીલ, અદાણી જૂથને જમીન ફાળવણી, નર્મદા પાણી સહિતના મુદ્દાઓની સાથે સાથે સંસદના સત્ર અને જય શાહના મામલે પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ વખતે નવેમ્બરમાં પાર્લામેન્ટ(સંસદ) બંધ રખાઇ અને ગુજરાતની ચૂંટણીના આગલા દિવસે શરૃ થવાનું છે. વિધાનસભાની ચૂંટણીને લઇને મોદી સરકારે મનસ્વી રીતે સંસદનું સત્ર વિલંબિત કર્યું. પ્રજા ઇચ્છે છે કે, રાફેલ ડીલ અને જય શાહ મુદ્દે સંસદમાં ચર્ચા થાય કે જેથી ગુજરાતની જનતા પણ સમજી શકે કે રાફેલ ડીલ અને જય શાહના કિસ્સામાં હકીકતમાં શું બન્યું છે. આ તો હજુ શરૃઆત છે, હજુ મોદી સરકાર અને ભાજપના ઘણા મુદ્દાઓ છે, જે આગામી દિવસોમાં જાહેરજનતામાં ઉજાગર થશે. દેશની જનતા સામે આ મામલા લાવતાં કોઇ રોકી નહી શકે.

તમે મારી આદત બગાડી કાઢી છે, મારું વજન વધી ગયુ

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ આજે તેમના ભાષણની શરૃઆતમાં ગુજરાતની જનતાની લાગણી સાથે જોડાયેલી વાત કરી હળવા મુડમાં જણાવ્યું હતું કે, ગઇકાલે મારી બહેન પ્રિયકાં મારા ઘેર આવી હતી કે, તેણે મને કહ્યું કે, તારા કિચનમાં બધુ ગુજરાતી જ છે. ખાખરા, અથાણાં, મગફળી...વગેરે. પાછલા દિવસોમાં ગુજરાતી ભોજન મને બહુ ભાવ્યું અને મેં મન ભરીને માણ્યું. તમે મારી આદત બગાડી કાઢી છે કારણ કે, મારું વજન વધ્યું છે. હું તમારા પ્રેમ અને આદર બદલ ખરેખર આપ સર્વેનો આભારી છું.

ગુજરાતના પ્રચારથી મને ઘણું શીખવા અને સમજવા મળ્યું

રાહુલ ગાંધીએ એ વાતનો પણ નિખાલસપણે એકરાર કર્યો હતો  કે,મને ગુજરાતના પ્રચારથી ઘણું શીખવા, જાણવા અને સમજવા મળ્યું છે. તમારી વચ્ચે આવીને તમારી સાથે વાતો કરીને મને ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું અને સમજવા મળ્યું છે. એવી ઘણી વાતો છે કે મેં તમારી વચ્ચેથી જાણી અને અનુભવી. તમારી વચ્ચે રહીને લોકો વચ્ચે જઇને વાત કરવાનો મારો અનુભવ ઘણો રોમાંચક, માહિતીસભર, તાલીમ જેવો રહ્યો. જે મને જીવનમાં બહુ ઉપયોગી થશે. હું આ માટે તમારા બધાનો આભાર માનું છું.

કોંગ્રેસના મેચ્યોર્ડ ભાષણની રાજકીય ચર્ચા

   રાહુલ ગાંધીના આજના મેચ્યોર્ડ ભાષણ અંગે રાજકીય વિશ્લેષકોમાં પણ એવી ચર્ચાએ જોર પકડયુ હતું કે, શું હવે રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા જઇ રહ્યા છે, તેથી તે હોદ્દા અથવા તો પદની ગરિમાને અનુરૃપ અને તેને છાજે તેવું ભાષણ કરવાનું હવે માની રહ્યા છે. તેમના આજના પ્રવચનમાં એક પ્રકારની ઉંડી સમજ અને આત્મવિશ્વાસ ઝલકતા હતા. જે ખરેખર નોેંધનીય બની રહ્યું હતું.

 

(10:10 pm IST)