Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

મોદી કે રાહુલની નહી ગુજરાતના લોકોના ભવિષ્ય માટેની ચૂંટણી છે

કોંગી પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાયા બાદ રાહુલ ગાંધીના પ્રહારોઃ ગુજરાતના લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસની સરકાર બનશે : તમને પૂછયા વિના નિર્ણય મુખ્યપ્રધાન પણ લઈ શકશે નહીં : રાહુલ ગાંધીની ખાતરી

અમદાવાદ, તા.૫, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગઇકાલે નોમીનેશન ફાઇલ કર્યા બાદ આજે રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રચાર માટે આવી પહોંચ્યા હતા. આજે સવારે તેમણે કચ્છના અંજાર ખાતે વિશાળ જનસભાને સંબોધતાં કંઇક અલગ અને વધુ મેચ્યોર રાહુલ ગાંધી તરીકે પોતાના પ્રવચનની શરૃઆત કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૃઆતમાં જ વિશાળ જનસમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે, ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા અને તેમણે તેમના ભાષણનો ૬૦ ટકા સમય કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વિશે આક્ષેપો કરવામાં કાઢયો પરંતુ ગુજરાતના લોકોની કે તેમના સારા ભવિષ્ય માટેની કે તેમને શું અપાશે તેવી કોઇ વાત જ ના કરી. આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો અથવા મોદી કે રાહુલની ચૂંટણી નથી પરંતુ ગુજરાતના લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ચૂંટણી છે. ચૂંટણીનો આ સમય ગુજરાતના ભવિષ્યને વધુ ઉજ્જવળ અને ખુશહાલ બનાવવાનો છે. કોંગ્રેસ તમને એ સારુ ભવિષ્ય આપી શકે એમ છે અને તેથી આ વખતે ગુજરાતમાં તમારી પોતાની કોંગ્રેસની સરકાર બનશે. તમને પૂછયા વિના કે તમારી વાત સાંભળ્યા વિના કોંગ્રેસ પાર્ટીનો મુખ્યમંત્રી પણ કોઇ નિર્ણય નહી લે. તમારી વચ્ચે આવીને તમારી વાત સમજીને પછી જ નિર્ણય લેવાશે. રાહુલ ગાંધીએ આજે કોંગ્રેસના ગઇકાલે જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરાને લઇને જણાવ્યું હતું કે, કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં પ્રજાલક્ષી અને લોકોનો કલ્યાણ  અને ખુશહાલ જીંદગીની વાત કરી વચનો આપ્યા છે. કારણ કે, કોંગ્રેસ ગુજરાતના વસતા તમામ કુંટુંબોને ખુશહાલ જોવા ઇચ્છે છે. આ માટે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોએ લોકોના ઘેર-ઘેર જઇ, ગામડે ગામડે ફરી લોકોના, ગ્રામજનોના અને સમાજના તમામ વર્ગ-સમુદાયની ઇચ્છા, અપેક્ષાઓ, પ્રતિભાવો, અભિપ્રાયો જાણ્યા અને સમજયા બાદ આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે. રાહુલ ગાંધીએ નર્મદા મુદ્દે ફરી એકવાર મોદી સરકાર અને ભાજપને આડા હાથે લીધા હતા કે, છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં નર્મદાની વાતો થાય છે. શું તમને નર્મદાના પાણી મળ્યા ? જેથી ઉપસ્થિત જનમેદનીમાંથી નકારનો જવાબ ઉઠયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમારી જમીનો, પાણી અને વીજળી છીનવી લેવાય છે અને તે મોદીજીના માનીતા ઉદ્યોગપતિને પધરાવી દેવાય છે. કચ્છના મુંદ્રામાં એક વ્યકિતને ૪૫ હજાર એકર જમીન માત્ર એક રૃપિયા પ્રતિ ચો.મીના ભાવે પધરાવી દેવાઇ અને આ વ્યકિતએ તમારી આ જમીનો થોડા મહિનાઓ પછી ત્રણ-પાંચ હજારમાં એચપીસીએલ સહિતની સરકારી કંપનીઓને વેચી મારી..આમ કહી રાહુલ ગાંધીએ અદાણી જૂથને નિશાના પર લઇ લીધુ હતું. રાહુલે રાફેલ હવાઇ જહાજના કોન્ટ્રાકના મુદ્દે પણ વડાપ્રધાન મોદી પર સીધા પ્રહારો કર્યા હતા કે, મોદીએ અનુભવી સરકાર કંપની સાથેનો રાફેલ હવાઇ જહાજનો કોન્ટ્રાકટ રદ કરી હજારો કરોડની ઉંચી કિંમતે તે પોતાના ખાસ ઉદ્યોગતિને આપી દીધો કે જેણે કયારેય હવાઇ જહાજ બનાવ્યા નથી. આ ઉદ્યોગપતિના માથે રૃ.૪૫ હજાર કરોડનું તો દેવું છે. રાહુલ ગાંધીએ રાફેલ હવાઇ જહાજ ડીલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછેલા ત્રણ સવાલો આજે ફરીથી દોહરાવ્યા હતા અને તેમની પાસેથી જવાબની માંગણી કરી હતી. રાહુલે શિક્ષણ, બેરોજગારી, આરોગ્ય સેવા, ખેડૂતો અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દે વાત કરી હતી.

 

(10:08 pm IST)