Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

કિંખલોડ-ચામરા રોડ પર દારૂ ભરેલી કારે પોલીસની કારને ટક્કર મારતા જવાન અને બાતમીદાર ઘાયલ

આંકલાવ:તાલુકાના નવાખલ ગામની સીમમાં આવેલા કીંખલોડ-ચમારા રોડ ઉપર ગઈકાલે રાત્રીના સુમારે વિદેશી દારૂ ભરેલી કારે પીછો કરતી પોલીસની ખાનગી કારને ટક્કર મારતાં પોલીસ જવાન અને બાતમીદાર ઘાયલ થયા હતા જેમને સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કારમાંથી પોલીસને ચૂંટણી માટે લઈ જવાતો ૭૨૦ ક્વાર્ટરીયા વિદેશી દારૂ મળી આવતાં પોલીસે તે પણ જપ્ત કરીને બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે આંકલાવનો પોલીસ જવાન રાજવીરસિંહ ઘનશ્યામસિંહ ચૌહાણ બાતમીદાર શકીલખાન પઠાણને લઈને ગંભીરા બ્રીજ નજીક પોતાની ખાનગી કાર આઈ-ટ્વેન્ટી લઈને વોચમાં ઉભા હતા ત્યારે મોટી સંખ્યાડના સરપંચ નગીનભાઈ ચંદુભાઈ સોલંકી અને રણજીતભાઈ સોલંકી બ્રીજા કાર નંબર જીજે-૨૩, બીડી-૯૦૮૭ની લઈને નીકળતા શંકાને આધારે કારનો પીછો કર્યો હતો. દરમ્યાન પોણા દશેક વાગ્યાના સુમારે કાર કિંખલોડ ચોકડીથી ચમારા તરફ જતા નવાખલ ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે એકાએક બ્રીજા કારના ચાલકે પોલીસની ખાનગી કારને ટક્કર મારી દેતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. જ્યારે બ્રીજા કાર રોડ સાઈડની ગટરમાં ઉતરી ગઈ હતી.

અકસ્માત સર્જાતા જ પોલીસ જવાન રાજવીરસિંહ અને બાતમીદાર શકીલખાન પઠાણને ઈજાઓ થવા પામી હતી. બીજા કારમાંથી નગીનભાઈ સોલંકી તથા રણજીતભાઈ ઉતરીને ફરાર થઈ ગયા હતા. રાજવીરસિંહે આંકલાવ પોલીસ મથકે બનેલી ઘટનાની જાણ કરતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો અને ઘવાયેલા બન્નેને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસે બ્રીજા કારની તલાશી લેતાં અંદરથી વિદેેશી દારૂના કુલ ૭૨૦ ક્વાર્ટરીયા કે જેની કિંમત ૮૬૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસને કારમાંથી પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, પાસબુકો, એટીએમ કાર્ડ, મોબાઈલ ફોન વગેરે મળી આવ્યા હતા. પોલીસે કુલ ,૯૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા મોટી સંખ્યાડના સરપંચ નગીનભાઈ સોલંકી તથા રણજીતભાઈ વિરૂધ્ધ પ્રોહિબિશન અને હત્યાના પ્રયાસના બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પોલીસે હાથ ઘરેલી પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને લઈ જવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું છે.

 

(5:27 pm IST)