Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

નડિયાદના મરીડા રોડ પરથી ખેડા પોલીસે બાતમીના આધારે 8 નબીરાઓને 15 હજારની રોકડ સાથે દબોચ્યા

ખેડા: શહેર એલસીબી ખેડા પોલીસે નડિયાદ મરીડા રોડ પર આવેલ સોસાયટીમાં જુગાર રમતા આઠ નબીરાઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો દાવ પર લગાવેલ રોકડ, મોબાઈલ તેમજ મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૪૮,૦૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

એલ.સી.બી. ખેડા પોલીસ નડિયાદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન માહિતી મળેલ કે નડિયાદ તસ્લીમ પાર્ક સોસાયટી, કેર હોસ્પિટલ પાછળ મરીડા રોડ ઉપર રહેતા ગુલામભાઈ મહેબુબભાઈ કસાઈના મકાનમાં જુગાર રમાય છે. જેથી એલ.સી.બી. પોલીસે આ સ્થળે રેડ કરતા પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમતા લોકોએ નાસભાગ કરી મૂકી હતી. પોલીસે મકાનમાંથી રમતા ગુલામભાઈ મહેબુબભાઈ કસાઈ, કૌશિકભાઈ દિલીપભાઈ રાણા, ફારૂક ઉર્ફે ભલાભાઈ દાઉદભાઈ વ્હોરા, મોઈન મુનિરભાઈ કુરેશી, અબ્દુલ રઝાક ઉર્ફે રઝાક કાલીયો ઈસ્માઈલભાઈ વ્હોરા, ફિરોઝ ઉર્ફે ભઠીયારો નિશારભાઈ શેખ, ઈબ્રાહીમભાઈ ઉર્ફે ઉંદરડી ઉસ્માનભાઈ વ્હોરા તેમજ રઝાકભાઈ ઉર્ફે ગીગમભાઈ આદમભાઈ અલાદને દાવ પર લગાવેલ રોકડા રૂપિયા ૨૪૦૦ તથા પત્તા-પાના જુગાર રમવાના સાધનો તેમજ અંગ જડતીમાંથી ૧૨,૬૬૦, મોબાઈલ નં.૬ કિંમત રૂપિયા ૮૦૦૦, મોટર સાયકલ નં. જીજે-૦૭ બીઈ-૪૨૫૪ રૂપિયા ૨૫૦૦૦ મળી કુલ રૂપિયા ૪૮૦૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે એએસઆઈ વિજયસિંહની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયેદસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:25 pm IST)