Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

શ્રી સ્વામિનારાયણ મંદિર - શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાગટ્ય ધામ, ખેડામાં પૂનમનો સમૈયોમાં આસ્થાનું દ્યોડાપૂર ઉમટ્યું...

 ચંદ્રમાસનો શુકલ પક્ષ કે સુદ પક્ષનો પંદરમો દિવસ પૂનમ અથવા પૂર્ણિમા તરીકે ઓળખાય છે. પૂર્ણ ચંદ્રનો આ દિવસ કેલેન્ડર અનુસાર દર માસના પંદરમાં દિવસે હોય છે. આપણા હિન્દુ કેલેન્ડરની દરેક પૂનમ શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસનું ભારતીય જીવનમાં ખુબ જ મહત્ત્વ છે. દર મહિને આ દિવસે કોઈ તહેવાર કે ઉપવાસ મનાવવામાં આવે છે. માગશર સુદ ૧૫ ને ગુજરાતીમાં માગશર સુદ પૂર્ણિમા કે માગશર સુદ પૂનમ કહે છે. આ દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો પંદરમો દિવસ છે. જયારે શક સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો પંદરમો દિવસ છે. વળી, આજની પૂનમે દત્ત્। જયંતી પણ ઉજવાય છે.

પુણ્યસલીલા વેત્રવતી-વાત્રક નદીના તીરે વસેલા ખેડા નગરમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર- શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાગટ્યધામ અનેકાનેક ભાવિકો માટે શ્રદ્ઘા અને આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અસંખ્ય સત્સંગીઓ, ભાવિકો અને શ્રદ્ઘાળુઓ દર્શનાર્થે પરમોલ્લાસભેર આવે છે. અને એમાંય જયારે પૂનમનો સમૈયો હોય ત્યારે ભકતોનું દ્યોડાપૂર ઉમટે છે. માગશર સુદ પૂનમના પાવનકારી શુભ દિને પ્રસિદ્ઘ શ્રી સ્વામિનારાયણ મંદિર-ખેડામાં આસ્થાનો મહેરામણ ઊલટ્યો હતો. વહેલી સવારથી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દર્શન કરવા માટે હરિભકતો આવવા લાગ્યા હતા. દૂર દૂરથી ભકતો પરંપરાગત રીતે ચાલીને દર્શન કરવા માટે આવતા હતા. ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહેસાણા, ગાંધીનગર વગેરે જિલ્લાઓમાંથી હરિભકતો આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર- શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાગટ્યધામ, ખેડામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્ત્।મપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી નિર્માણપ્રિયદાસજી સ્વામી, શ્રી ધ્યાનપ્રિયદાસજી સ્વામી તથા શ્રી સંતભૂષણદાસજી સ્વામી અને શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી હરિપ્રિયદાસજી સ્વામી અને શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી-આ સંતો અને ભકતોએ પૂનમના સમૈયો ઊજવ્યો હતો. સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું પૂજન - અર્ચન, સમૂહ આરતી વગેરે કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.

આ અવસરે શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ પૂનમના સામૈયા પર્વે કથામૃતનું પાન કરાવ્યું હતું. જેમાં તેમણે રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથના ગઢડા પ્રથમ પ્રકરણના ૨૧ મા વચનામૃત પર વિવેચન કર્યું હતું. જેમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને  આચાર્ય શ્રી પુરુષોત્ત્।મપ્રિયદાસજી સ્વામીજી મહારાજને અતિપ્રસન્ન કરવા માટે પોતપોતાના વર્ણાશ્રમના ધર્મમાં  અચળ નિષ્ઠા, આત્મનિષ્ઠાની અતિશે દ્રઢતા, એક ભગવાન વિના બીજા પદાર્થને વિષે અરુચિ અને ભગવાનને વિષે મહાત્મ્ય સહીત ભકિત – એ ચાર સાધને કરી પ્રસન્ન કરવા વિષે દ્રષ્ટાંત સહ વિસ્તારથી કથા કરી હતી. વળી, શ્રી નીમેષભાઈ ગજ્જર, શ્રી જસરાજભાઈએ પ્રવચનો કાર્ય હતા. તો વળી, બાળ સંસ્કાર સિંચન, નિકોલ-અમદાવાદના નાના નાના ભૂલકાઓએ અભિનય સહ કીર્તન ગાન કર્યું હતું. ખેડાના બાલકે છડી બોલી હતી. આ રીતે આ સમૈયાને સહુએ દિવ્યાનંદથી માણી, મહાપ્રસાદ આરોગી  યથાસ્થાને પ્રસ્થાન કર્યું હતું.

 

(5:13 pm IST)