Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

પોકર જુગાર છે, અનુમતિ નહીં: ગુજરાત હાઇકોર્ટ

વિવાદનો આવ્યો અંત

અમદાવાદ તા. ૫ : પોકરએ જુગાર છે કે નહીં તે વિવાદનો અંત આણતા ગુજરાત હાઈકોર્ટે પોકરને જુગાર જાહેર કરી દીધો છે. તેમજ પોકર રમવા માટેની પરવાનગી આપવાની પણ મનાઈ ફરમાવી છે. ઘણા અરજદારો જેઓ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પોકરના આયોજન માટે પરવાનગી ઈચ્છતા હતા તેમણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. નોંધનીય છે કે આ આયોજકોને શહેર પોલીસે આ પરવાનગી આપવાની ના પાડી દીધી હતી. અરજદારોએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે શહેર પોલીસ દ્વારા પોકર ગેમની પરવાનગી બાબતે મૌન છે. તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ગેમને રોકવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

હાઈકોર્ટ સમક્ષ આયોજકો દ્વારા એવી દલીલ મૂકવામાં આવી હતી કે ભારતમાં ઘણા રાજયોમાં પોકરની રમત જુગાર ગણાતી નથી. પોકરની રમત સાથે કૌશલ્ય જોડાયેલું છે. તેથી તેને જુગાર પ્રતિબંધક ધારા હેઠળ નિયંત્રિત કરી શકાય નહીં. આ સિવાય પોકરની રમત માટે પરવાનગી આપતા કેટલાંક ચુકાદાઓ પણ રજૂ કરાયા હતા, તેમજ એવા રાજયો કે જયાં પોકરની રમત કાયદેસર મનાય છે તેમના નામ પણ જણાવાયા હતા.

ઈન્ડિયન પોકર એસોસિયેશન દ્વારા પણ આ અરજીનો અદાલતમાં સમર્થન કર્યો હતો અને કહ્યું હતું કે પોકરને જુગાર ગણવું એ યોગ્ય નથી, તેથી જ આયોજકોને શહેરમાં પોકર રુમ ચલાવવાની પરવાનગી આપી દેવાઈ છે. હાઈકોર્ટ દ્વારા આ તમામ અરજીઓને સિવિલ એપ્લિકેશન તરીકે ફાઈલ કરવામાં આવે તેવો આગ્રહ રખાયો હતો. જો કે લગભગ તમામ અરજદારોએ આ અરજીઓ ક્રિમિનલ એપ્લિકેશન તરીકે ફાઈલ કરી હતી. તેથી તમામને ફરીવાર સિવિલ અરજીઓ કરવા માટે જણાવાયું હતું.

નવી અરજીઓ દાખલ કર્યા બાદ આ મુદ્દે લાંબી ચર્ચા થઈ. ગુજરાત સરકાર દ્વારા પોકરની રમતને પરવાનગી આપવાની માગણીનો સખત વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે જો પરવાનગી આપવામાં આવશે તો પોકર રમનાર ઘણાનું જીવન બરબાદ થઈ શકે છે. તમામ દલીલો સાંભળ્યા બાદ જસ્ટિશ આર.એચ. શુકલાએ તમામ અરજીઓ ફગાવી દઈ રાજયમાં પોકરની રમતને મંજૂરી આપી નહોતી.

(12:42 pm IST)