Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

૧૩૨ વર્ષ જૂના પક્ષનું સુકાન ૪૭ વર્ષીય રાહુલના હાથમાં...: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પરિચયની પાંખે

કેવી રીતે યોજાય છે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષની ચૂંટણી...?

દેશભરમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે. પક્ષના નવા અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીને બનાવવાનું નિશ્ચિત કરાયુ છે ત્યારે આપણને સવાલ થાય કે કેવી રીતે થતી હશે આ ચૂંટણી...? કેવી હોય એમની પ્રક્રિયા...?

આ પ્રક્રિયાને આપણે નજીકથી જોઈએ તો... કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના સમયના પત્રક મુજબ કોંગ્રેસના પ્રમુખ બનવા માટે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ આજે એટલે કે ૫મી ડિસેમ્બર રાખવામાં આવી છે અને ઉમેદવારી પત્રક પાછુ ખેંચવાની તા. ૧૧ ડિસેમ્બર રાખવામાં આવી છે. જો એક કરતા વધુ ઉમેદવાર મેદાનમાં હોય તો તે તા. ૧૬ના મતદાન યોજવામાં આવશે અને જો મતદાન થશે તો તા.૧૯ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

જો આજે એટલે કે ૫મી ડિસેમ્બરની સાંજ સુધીમાં રાહુલ ગાંધી સિવાય કોઈનું ઉમેદવારી પત્રક નહિં આવે તો આજે જ રાહુલ ગાંધીને વિજેતા જાહેર કરવામાં આવશે. હાલની સ્થિતિ જોતા બીજો કોઈ સભ્ય રાહુલ ગાંધી સામે ઉમેદવારી કરે તેવુ જણાતુ નથી. જેથી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી મોટાભાગે નિશ્ચિત મનાય છે. આ વેળાએ આવો આપણે રાહુલ ગાંધીની કારકિર્દીની એક ઝલક જોઈએ...

૧૯મી જૂન ૧૯૭૦ના રોજ દિલ્હીમાં ભારતના માજી વડાપ્રધાન રાજીવ ગાંધી અને હાલના કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનીયા ગાંધીને ત્યાં રાહુલનો જન્મ. રાહુલ ગાંધીએ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની મોડર્ન સ્કુલમાં લીધા બાદ દેહરાદૂનની પ્રસિદ્ધ દૂન સ્કુલમાં ભણવા જતા રહ્યા. આ દરમિયાન કપરી સ્થિતિને પગલે સુરક્ષાના હેતુસર રાહુલે કેટલાક સમય ઘરેથી ભણવુ પડ્યુ.

૧૯૮૯માં દિલ્હીની કીસેન્ટ સ્ટીફેન કોલેજમાં જોડાયા પરંતુ અહીં ૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ હાવડ વિશ્વ વિદ્યાલયમાં જોડાયા. ફરી એકવાર તેમની સાથે કુદરતે કરૂણતા ઉભી કરી... ૧૯૯૧માં પિતા રાજીવ ગાંધીની હત્યા થતાં સુરક્ષાને ધ્યાન પર લઈ તેમને ફલોરીડાની રોલ્લીન્સ કોલેજમાં મૂકયા અને અહીં તેમણે ૧૯૯૪ના વર્ષમાં બી.એ.ની ડિગ્રી મેળવી.

ત્યારબાદ રાહુલે અભ્યાસને આગળ ધપાવી ૧૯૯૫માં કેમ્બ્રીજ વિશ્વ વિદ્યાલયની ટ્રિનીટી કોલેજથી એમ્ફીલની ડિગ્રી મેળવી. ત્યારબાદ રાહુલે ૩ વર્ષ સુધી એક કંપનીમાં કામ કર્યુ. ૨૦૦૨ના વર્ર્ષના અંતમાં મુંબઈ સ્થિત એક કંપનીમાં ઉચ્ચ પદ સુધી પહોંચ્યા.

પરંતુ સમગ્ર ખાનદાન રાજકીય આલમમાં હોય ત્યારે રાહુલ ગાંધી કેમ બાકાત રહી શકે... ૨૦૦૩ના વર્ષથી રાહુલે રાજનીતિમાં રસ લેવાનુ શરૂ કર્યુ. સામાજીક કાર્યક્રમોમાં પણ માતા સોનીયા સાથે દેખાવા લાગ્યા. પરંતુ માર્ચ ૨૦૦૪માં ચૂંટણી લડવાની જાહેરાત સાથે ખરા અર્થમાં રાજકીય આલમમાં એન્ટ્રી મારી અને પોતાના પિતાની લોકસભાની બેઠક અમેઠી ઉપરથી ઝંપલાવ્યુ અને લોકસભામાં કર્યો પ્રવેશ.

રાજકીય આલમમાં રાહુલ ગાંધીની સફર આગળ ધપતી ગઈ. ૨૦૦૭ના વર્ષમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ મહેનત કરી પરંતુ જોઈએ તેવી સફળતા ન મળી.

આમ છતાં આજ વર્ષમાં રાહુલને ભારતીય કોંગ્રેસ સમિતિના મહા સચિવ તથા યુવા કોંગ્રેસ અને ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંઘની જવાબદારી સોંપાઈ, આ સમય દરમિયાન તેઓ એક યુવા નેતા તરીકે ઉભરતા ગાય.

આ સફર આગળ ધપતી ગઈ. ૨૦૦૯ના વર્ષમાં ચૂંટણીમાં ભારતભરમાં ભ્રમણ કરી ૧૦૦થી વધુ રેલીઓ સંબોધી લોકસભા ક્ષેત્રના રાજયમાં ૨૧ જેટલી સીટો અપાવીને પાર્ટીમાં ઉત્સાહનો નવો સંચાર કર્યો. તેમજ પોતે પણ પોતાના પ્રતિસ્પર્ધીને સાડા ત્રણ લાખ જેટલા મતોથી હરાવી ભવ્ય જીત પણ મેળવી.

૨૦૧૨ના ઉત્તર પ્રદેશના વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તરફથી રાહુલે મહત્વની ભૂમિકા ભજાવી એટલુ જ નહિં આશરે ૨ મહિના સુધી ત્યાં જ ધામા નાખી ૨૦૦થી વધુ રેલીઓ યોજી કોંગ્રેસને ૨૮ સીટ અપાવી.

જેના શીરપાવ રૂપે ૧૯મી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ જયપુરમાં આયોજીત કોંગ્રેસ કમીટીની બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઇ અને પાર્ટીમાં નંબર - ૨ની પોઝીશન પર પહોંચ્યા.

જો કે સમય જતાં રાજકીય સ્થિતિમાં બદલાવ આવતો ગયો. આગળના સમયમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન રહ્યો. જો કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ વચ્ચે પણ અમેઠી બેઠક ઉપર પોતાની પ્રતિસ્પર્ધી ભાજપના મજબૂત ઉમેદવાર સ્મૃતિ ઈરાની અને આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસને એક લાખથી વધુ મતોથી હરાવ્યા.

જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થતા રાહુલ ગાંધીએ રાજીનામુ પણ ધર્યુ, પરંતુ પાર્ટીએ ન સ્વીકારી પૂરો પક્ષ તેમના બચાવમાં ઉભો રહ્યો.

વિપરીત સ્થિતિમાં પણ રાહુલ ગાંધી આજે શાસક પક્ષ સામે આકરા પ્રહારો કરી મોંઘવારી, ભાવવધારો, તેમજ ખેડૂતોની હાલાકી જેવા પ્રશ્નો સામે લડત આપી રહ્યા છે. હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા અથાગ પ્રયત્નો સાથે શાસક પક્ષને મજબૂત ટક્કર આપી રહ્યા છે.

રાજકીય અગ્રણીઓના મંતવ્ય અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાથી આ ચૂંટણીના મતદાનમાં કોંગ્રેસને વધુ ફાયદો મળશે.(૩૭.૩)

 

(12:18 pm IST)