Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

શિનોર તાલુકાના પોઇચા પુલ પાસે ભરૂચના શખ્સનો ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો: પોલીસ બેડામાં દોડધામ શરૂ

શિનોર: તાલુકાના પોઇચા પુલ પાસે જિલ્લા પોલીસની વોચ જોઇ ગભરાઇ ગયેલા ભરૂચના ઇમરાન શેખે પુલ પરથી નદીમાં કુદકો માર્યા બાદ આજે સવારે નર્મદા નદીમાંથી ઇમરાનની લાશ મળતા પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા છે.

પ્રાપ્ત માહિતિ મુજબ રાજપીપળા તરફથી સેગવા ચોકડી થઇને એક એસ ક્રોસ ગાડી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ જવાની છે તેવી બાતમીના આધારે ગઇકાલે એલસીબીએ  પોઇચા બ્રીજ પાસે ટ્રાફિક જામ કરી વોચ ગોઠવી હતી. જો કે પોલીસને જોઇ દુરથી ગાડી મુકી એક વ્યક્તિએ ફરાર થઇને બ્રીજ પરથી કુદકો માર્યો હતો જ્યારે વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતો શીવ શંકર નારાયણદાસ યાદવ ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા ફરાર થઇ ગયેલો શખ્સ ભરૂચનો ઇમરાન શેખ હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન પોલીસે પુલ નીચે તેમજ નદીમાં તપાસ કરવા છતા ફરાર ઇમરાનનો કોઇ પત્તો લાગ્યો ન હતો જેથી પોલીસે દારૂનો જથ્થો ગાડી સાથે કબજે કરી તપાસ શરૂ કરી હતી ત્યારે આજે સવારે નદીના પાણીમાં આશરે ૩૫ વર્ષના યુવાનની લાશ તણાઇને આવી છે તેવો સંદેશો દરીયાપુર ગામના રમેશ દલસુખ વસાવાએ શિનોર પોલીસને આપતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઝડપાયેલા શીવશંકરને મૃતદેહ બતાવતા મૃતક ભાગી ગયેલો શખ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:54 pm IST)