Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

કિલર સ્વાઈન ફ્લુનો આતંક જારી : વધુ બે દર્દીઓના મોત

કુલ કેસોની સંખ્યા વધીને ૧૮૬૭ ઉપર પહોંચી : અમદાવાદમાં સ્વાઈન ફ્લુના વધુ એક નવા કેસથી કેસોની સંખ્યા વધીને ૬૯૧ થઇ : ૧૩૨ દર્દી હજુ સારવાર હેઠળ

અમદાવાદ, તા.૪ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક આજે પણ યથાવતરીતે જારી રહ્યો હતો. સ્વાઈન ફ્લુના કારણે વધુ બે લોકોના આજે મોત થયા હતા. આની સાથે જ મોતનો આંકડો પણ ઝડપથી વધ્યો હતો. આજે જે બે લોકોના મોત થયા હતા તે પૈકી ગીરસોમનાથમાં એક અને મોરબીમાં અન્ય એકનું મોત થયું હતું. સ્વાઈન ફ્લુના કારણે મોતના વિરોધાભાષી આંકડા મળી રહ્યા છે. તંત્ર તરફથી દરરોજ નિયમિતરીતે આંકડો અપાઈ રહ્યો નથી ત્યારે આંકડાઓને લઇને જોરદાર વિરોધાભાષની સ્થિતિ સર્જાયેલી છે. આજે સ્વાઈન ફ્લુના આઠ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા જે પૈકી કચ્છમાં છ, વડોદરા અને અમદાવાદમાં એક-એક કેસ સપાટી ઉપર આવ્યા છે. આજે નવા આઠ કેસની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૮૬૭ ઉપર પહોંચી ગઈ છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. ગઇકાલની સરખામણીમાં આજે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ઘટી હતી અને સંઘ્યા ૧૩૨ થઇ હતી. સત્તાવારરીતે મોતનો આંકડો તંત્ર તરફથી ૬૩ જણાવવામાં આવ્યો છે પરંતુ વર્ષ ૨૦૧૮માં મોતનો આંકડો આના કરતા વધારે હોવાનો દાવો સ્વાઈન ફ્લુ પર નજર રાખી રહેલા લોકો કરી રહ્યા છે. અમદાવાદમાં વિવિધ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧૪૨૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. સ્વાઈન ફ્લુ રોગ વધુ ગંભીર બનતા આ વર્ષે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની રજા  પણ રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ મોટી સંખ્યામાં દર્દીઓને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. ૧૬૫ દર્દીઓ રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોતનો આંકડો પણ દરરોજ દર્દીઓના મોતથી રોકેટગતિએ વધી રહ્યો છે. આંકડો અવિરત વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ કેસો નોંધાયા છે. પહેલી સપ્ટેમ્બરથી હજુ સુધી દર્દીઓની સંખ્યા ૧૮૬૭ સુધી પહોંચી છે. આજે તમામ વધુ ઉમેરો થયો હતો. એકલા અમદાવાદ મનપા ક્ષેત્રમાં વધુ એક કેસ નોંધાતા કેસોની સંખ્યા ૬૯૧થી વધુ થઈ ચુકી છે. અમદાવાદ શહેર સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુને લઇને કેસોની સંખ્યામાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. નવા કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સંબંધિત વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૮૦ ઉપર પહોંચી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ અસર અમદાવાદમાં થઈછે. જ્યાં ૬૯૧થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં જાન્યુઆરી બાદથી સત્તાવાર રીતે મોતનો આંકડો ૬૩ ઉપર પહોંચ્યોછે પરંતુ બિનસત્તાવાર રીતે મોતનો આંકડો ૮૦ ઉપર પહોંચી ગયો છે.

સ્વાઇન ફ્લુનો કાળો કેર

અમદાવાદ, તા.૪ : સ્વાઈન ફ્લુના કારણે રાજ્યભરમાં ભારે આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

કુલ કેસોની સંખ્યા...................................... ૧૮૬૭

૨૪ કલાકમાં મોત........................................... ૦૨

સપ્ટેમ્બર બાદ મોત......................................... ૬૩

૨૦૧૮માં મોત................................................ ૮૦

અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા......... ૬૯૧થી વધુ

અમદાવાદમાં હજુ સુધી મોત............................ ૨૦

રાજ્યમાં નવા કેસ............................................ ૦૮

દર્દી સારવાર હેઠળ....................................... ૧૩૨

(9:04 pm IST)