Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રાજ્યમાં 6 ઓક્ટોબરે ચોમાસુ વિદાય લેશે તેવી હવામાન વિભાગની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે

ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સતત મેઘમહેર યથાવત છે. હવે રાજ્યના હવામાન વિભાગ દ્વારા 6 ઓક્ટોબરે ચોમાસુ વિદાય લેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભેજવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા બે ટકા વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 3 તાલુકામાં વરસાદ પડ્યો છે. નવસારી, બારડોલી અને પલસાણા તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે.

ઉપરવાસમાંથી સતત વરસાદને પગલે ઉકાઈ ડેમમાં 1 લાખ 45 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમનું રુલ લેવલ જાળવવા 11 દરવાજા 6 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં 1 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડાયું. નદીકાંઠાના લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

(9:24 pm IST)