Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કરમસદ નગરપાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલર પુત્રની કારમાંથી દારૂના 263 નગ ક્વાર્ટરીયા ઝડપાયા

મોરવા હડફના ખાબડા ગામ પાસેથી પોલીસે દારૂ ભરેલી કાર સાથે બે આરોપીની ધરપકડ કરી

પંચમહાલ : મોરવા હડફના ખાબડા ગામ પાસેથી પોલીસે દારૂ ભરેલી કાર સાથે કરમસદ નગરપાલિકાના મહિલા કાઉન્સિલર પુત્ર અને દાહોદ પંથકના એક શખ્શની  ધરપકડ કરી હતી.કરમસદ પાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલરના પુત્રની કારમાંથી 26 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે પ્રોહીબશન એક્ટ અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.જોકે રાતોરાત ઝડપાયેલા બ્રિજેશ પટેલને છોડાવવા માટે દોડધામ બાદ અંતે જોગવાઈ મુજબ બ્રિજેશનો જામીન પર છુટકારો થયો છે.
 સરકાર દ્વારા ગાંધી જ્યંતીની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે બીજી તરફ મોરવા હડફ પોલીસે પેટ્રોલિંગ દ્વારા બાતમી આધારે ખાબડા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન દાહોદ તરફથી આવતી એક વેગન આર કારમાં પોલીસે તપાસ કરતાં જ અંદરથી 263 નંગ ક્વાર્ટરીયાનો 26,300 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે કારમાં બેઠેલા બ્રિજેશ સંજયકુમાર પટેલ,અતુલપાર્ક સોસાયટી વિદ્યાનગર અને અનિલ ખેમચંદ માવી (રહે-વરમખેડા દાહોદ)ની ધરપકડ કરી હતી.
  પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો દાહોદ પંથક માંથી ભરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.પોલીસે ઝડપાયેલા બંનેને કોર્ટમાં રજૂ કરતાં બ્રિજેશ પટેલનો જામીન ઉપર છુટકારો થયો છે

  અત્રે ઉલ્લેખનીય છેકે વિદેશીદારૂ સાથે ઝડપાયેલી કાર ઉપર કાઉન્સિલર કરમસદ પાલિકા લખાણ લખવામાં આવ્યું હતું.જેની ગાડી માંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો એ કાર કરમસદ નગરપાલિકા ભાજપના મહિલા કાઉન્સિલરના પુત્રની હોવાનું સામે આવતાં જ સ્થાનિક રાજકારણમાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

 પોલીસે વિદેશીદારૂ,કાર અને મોબાઈલ ફોન મળી કુલ 3.30લાખનો મુદામાલ કબ્જે લીધો છે.કાઉન્સિલર પુત્રની કારમાં વિદેશીદારૂનો જથ્થો કેમ ભરી અને ક્યાં લઈ જવાનો હતો એ તો એજ જાણે પરંતુ કાઉન્સિલર પુત્ર પ્રોહીબશન એક્ટ જોગવાઈના આરોપી બન્યા અને એમની કારમાં વિદેશીદારૂ મળી આવ્યો હતો   

(10:43 pm IST)