Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

RTOના વાહન ટ્રાન્સફર કાંડમાં ૧૦ એજન્ટોની સંડોવણી ખુલી

વાહન ટ્રાન્સફર કૌભાંડ લાંબા સમયથી ચાલતું હતું : કૌભાંડમાં અમદાવાદ આરટીઓના સિનિયર કલાર્કની ધરપકડ કરીને પુછપરછ કરતા સમગ્ર મામલો ખુલ્યો

અમદાવાદ, તા. ૫ : સુભાષબ્રિજ આરટીઓમાં વાહન ટ્રાન્સફરના કૌભાંડથી ખળભળાટ મચી ગયો હતો. કૌભાંડમાં આરટીઓના સિનિયર કલાર્કની ધરપકડ કરીને પુછપરછ કરતા ૧૦ થી વધુ એજન્ટો અને ડીલરોના પ્રતિનિધિઓના નામો ખુલવા પામ્યા છે.પોલીસ તપાસમાં ખુલ્યુ છે કે, ફોર્મની ઉપર પેન્સિલથી લખાયેલા નામથી ઓળખ થઇ હોવાનું મનાય છે. બીજીતરફ પકડાયેલા ફોર્મની મદદથી વાહન માલિકોનો સંપર્ક કરી કયા એજન્ટ દ્વારા કામ કરાવાયું હોવાની પૂછપરછ કરાય છે.

જો કે, સમગ્ર પ્રકરણમાં આગળ તપાસ નહીં કરી અહીં પૂર્ણ વિરામ કરવા માટે ડીલરો ઉચ્ચ અધિકારીઓ સાથે પતાવટ કરવામાં પડયા હોવાનું જાણવા મળે છે. વાહન ટ્રાન્સફર કૌભાંડ લાંબા સમયથી ચાલતુ હતું. આ કૌભાંડમાં અન્ય કર્મચારીઓની સંડોવણી છેકે, નહીં તેની તપાસ ચાલી રહી છે. વાહનવ્યવહાર કમિશનર આરટીઓના કૌભાંડ બાબતે ખૂબ જ ગંભીર છે. સુભાષબ્રિજ આરટીઓમાં વાહન ટ્રાન્સફરનું કૌભાંડ બહાર આવ્યા પછી પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરાતા એજન્ટો અને ડીલરોના પ્રતિનિધિઓમાં ફફડાટ મચી ગયો છે. આ કેસમાં પકડાયેલા વાહન ટ્રાન્સફરના ફોર્મમાં એજન્ટો અને ડીલરોના પ્રતિનિધિઓ પોતાનું નામ લખતા હતાં. જેનો હિસાબ દરરોજ રાતે તેમજ કેટલાક કિસ્સામાં સપ્તાહના અંતે થતો હતો. વધુ તપાસ થાય તો કૌભાંડનો રેલો અન્ય એજન્ટો અને ડીલરોના પ્રતિનિધિઓ સુધી પહોંચશે.

(9:53 pm IST)